01 October, 2024 11:20 AM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
ચંદ્રાબાબુ નાયડુ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનને સર્વોચ્ચ ન્યાયાલયે ફટકાર લગાવીને કહ્યું કે તમારી પાસે પુરાવા નથી, તપાસ-સમિતિ બનાવી છે તો પ્રેસ-સ્ટેટમેન્ટ શા માટે આપ્યું?
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા સંચાલિત તિરુપતિ બાલાજીમંદિરના લાડુનો પ્રસાદ બનાવવામાં પશુઓની ચરબી ધરાવતા ઘીનો ઉપયોગ થતો હોવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે ગઈ કાલે સુનાવણી વખતે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ. કોર્ટે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુને પણ ફટકાર લગાવતાં કહ્યું હતું કે હજી સુધી પૂરતા પુરાવા નથી છતાં તેમણે આ બાબતને મીડિયા સુધી પહોંચાડી દીધી છે, આમ કરવાની જરૂર નહોતી. આ કેસ મુદ્દે હવે ગુરુવારે સુનાવણી થશે.
મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો અગાઉની જગનમોહન રેડ્ડી સંચાલિત યુવજન શ્રમિક રાયથુ(YSR) કૉન્ગ્રેસ પાર્ટીની સરકારે લાડુ બનાવવા માટે પશુઓની ચરબી ધરાવતા ઘીનો વપરાશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચે લાડુમાં પશુઓની ચરબીના ઉપયોગ કરવાના નિવેદનને સાર્વજનિક કરવાના મુદ્દે કહ્યું હતું કે ‘ચંદ્રાબાબુ નાયડુના દાવાને પુરવાર કરવા માટે હજી સુધી કોઈ નિર્ણાયક પુરાવો નથી. તેમણે જ આ આરોપોની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે, શું મુખ્ય પ્રધાન પાસે એવા કોઈ પુરાવા છે કે જેમાં એ નિષ્કર્ષ કાઢી શકાય કે જ્યાં ભગવાન વેન્કટેશ્વરની મૂર્તિ છે એવા મંદિરમાં લાડુ બનાવવામાં ચરબીયુક્ત ઘી વપરાય છે? રિપોર્ટ મુજબ ઘીનાંસૅમ્પલોને રદ કરવામાં આવ્યાં છે. તમે જ તપાસના આદેશ આપ્યા છે તો પ્રેસ પાસે જવાની શું જરૂર હતી? કમસે કમ ભગવાનને તો રાજકારણથી દૂર રાખવા જોઈએ.’
બેન્ચે પૂછ્યું હતું કે ‘તપાસનો આધાર બનેલા લાડુને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે? શું એવું નિવેદન આપવાની જરૂર હતી જેનાથી ભાવિકોની લાગણી દુભાઈ શકે? જ્યારે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસના આદેશ અપાયા છે તો પ્રેસમાં જઈને નિવેદન આપવાની શું જરૂર હતી? પ્રથમ દૃષ્ટિએ આવું કંઈ દેખાતું નથી, જેનાથી કહી શકાય કે એવું ઘી વાપરવામાં આવ્યું હતું. જો જવાબદાર અધિકારી દ્વારા આવાં નિવેદન આપવામાં આવે તો તપાસ કરનારી ટીમ પર એની કેવી અસર પડે?’
બેન્ચે કહ્યું હતું કે TTDના વકીલ સિદ્ધાર્થ લુથરા પણ કોર્ટ દ્વારા ઉપસ્થિત સવાલોના જવાબ આપતા નથી. TTDના એક્ઝિક્યુટિવ ઑફિસરે મુખ્ય પ્રધાનના દાવાનું ખંડન કર્યું છે ત્યારે લુથરા કહે છે કે અરજદારો અખબારોના રિપોર્ટ પર આધાર રાખી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ કેટલાંક ટૅન્કરોના સંદર્ભમાં નિવેદન આપે છે. ઘીની ક્વૉલિટી બાબતે શંકા હતી તો દરેક ટૅન્કરમાંથી સૅમ્પલ લેવાની જરૂર હતી, એક જ કંપનીના ટૅન્કરનાં સૅમ્પલ લેવાની જરૂર નહોતી.
લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં ચરબીની મિલાવટ છે એવા આરોપ સંદર્ભે ચાર પિટિશન કરવામાંઆવી છે. અરજદારોમાં ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. સુબ્રમણ્યન સ્વામી, YSR કૉન્ગ્રેસ પાર્ટીના નેતા અને TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ વાય. વી. સુબ્બા રેડ્ડી, ઇતિહાસકાર વિક્રમ સંપટ, વૈદિક વક્તાદુષ્યંત શ્રીધર અને સુદર્શન ન્યુઝના સ્થાપક સુરેશ ચવ્હાણકેનો સમાવેશ છે. ડૉ. સ્વામીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસ સમિતિનીમવાની માગણી કરી છે. તેમના વકીલ રાજશેખર રાવે એટલું જાણવા માગ્યું હતું કે મુખ્ય પ્રધાને કયા આધારે આવું નિવેદન આપ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં yeah yeah કહેનારા અરજદારને રોકીને ચીફ જસ્ટિસે કહ્યું... આ કોર્ટ છે, કૉફી-શૉપ નહીં
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ગઈ કાલે એક કેસની સુનાવણી વખતે અરજદારની અનૌપચારિક ભાષા સામે આપત્તિ નોંધાવી હતી. અરજદારે બેન્ચને સંબોધતી વખતે યે, યે (yeah) શબ્દનો ઉપયોગ કર્યો હતો.
અરજદારે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે તપાસની માગણી કરી હતી, જેઓ હાલમાં રાજ્યસભાના સંસદસભ્ય છે.
અરજદારે ૨૦૧૮ની એક પિટિશનનો સંદર્ભ આપીને કહ્યું હતું કે એમાં મેં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને પ્રતિવાદી બનાવ્યા હતા. ત્યારે ચીફ જસ્ટિસે પૂછ્યું હતું કે ‘શું એ આર્ટિકલ ૩૨ હેઠળની અરજી હતી? તમે એક જજને પ્રતિવાદી બનાવીને જનહિત અરજી કેવી રીતે કરી શકો? આર્ટિકલ ૩૨ ભારતના નાગરિકને મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો એની સામે રક્ષણ આપે છે.’
આ સમયે અરજદારે કહ્યું હતું કે ‘yeah, yeah; એ સમયના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વાત કરું છું. મને ક્યુરેટિવ પિટિશન ફાઇલ કરવાનું કહેવામાં આવ્યું હતું.’
આ સમયે ચીફ જસ્ટિસે અરજદારને એકાએક અટકાવીને કહ્યું હતું કે ‘આ કોઈ કૉફી-શૉપ નથી, yeahyeah કહેવાનું બંધ કરો. yes કહો, મને આ yeahyeah શબ્દથી ઍલર્જી છે. કોર્ટમાં આની પરવાનગી આપી શકાય નહીં. રંજન ગોગોઈ આ કોર્ટના ભૂતપૂર્વ જજ હતા. તેમના વિરોધમાં તમે આમ જ કેસ ફાઇલ કરીને ઇન-હાઉસ તપાસની માગણી કરી શકો નહીં.’
આમ કહેવામાં આવ્યા બાદ અરજદારે તેની ભાષા સુધારી હતી. અરજદારને બરાબર સમજાવ્યા બાદ ચીફ જસ્ટિસે તેને મરાઠીમાં કહ્યું હતું કે હાઈ કોર્ટના કોઈ જજમેન્ટને પડકારતી વખતે જજને ઠપકો આપી શકાય નહીં, આ કેસ રજિસ્ટ્રી જોઈ લેશે અને એમાંથી રંજન ગોગોઈનું નામ કાઢી નાખવામાં આવશે.