સુપ્રીમ કોર્ટે ફગાવી 2000 રૂપિયાની નોટ બદલવા સામેની આ અરજી, જાણો શું કહ્યું

01 June, 2023 04:14 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે ઓળખપત્ર બતાવ્યા વગર રૂા. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઓળખપત્ર બતાવ્યા વગર રૂા. 2000ની નોટ બદલવા સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટની વેકેશન બેન્ચે કહ્યું કે આ એવો મામલો નથી કે જેની તાત્કાલિક સુનાવણી કરવાની જરૂર છે. અરજદારે ઉનાળાના વેકેશન બાદ ચીફ જસ્ટિસ પાસે સુનાવણીની વિનંતી કરવી જોઈએ. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) આ અરજી ફગાવી દીધી હતી. અરજીકર્તાઓ તેને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

પિટિશનર વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે નોટો બદલનારની ઓળખ ન કરવાથી ભ્રષ્ટ અને રાષ્ટ્રવિરોધી તત્વોને ફાયદો થઈ રહ્યો છે. 29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે અરજીને નીતિ વિષયક ગણાવીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ તેમની અરજી મૂકતા ઉપાધ્યાયે દલીલ કરી હતી કે રિઝર્વ બૅન્ક (Reserve Bank Of India)નો નિર્ણય મનસ્વી છે. હાઈકોર્ટે મંજૂર કરીને ખોટું કર્યું છે, પરંતુ બેન્ચે ઉપાધ્યાયની અપીલ પર તરત જ સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

3 લાખ કરોડથી વધુની નોટો ખોટા હાથોમાં

અરજીમાં કહેવામાં આવ્યું છે કે 3 લાખ કરોડ રૂપિયાથી વધુની 2000 રૂપિયાની નોટો માફિયા અથવા રાષ્ટ્ર વિરોધી શક્તિઓ હોવાની શક્યતા છે. આવા સંજોગોમાં આવા તત્વો ઓળખપત્ર બતાવ્યા વગર જ નોટ બદલીને ફાયદો ઉઠાવી રહ્યા છે. અરજદારે કહ્યું છે કે, “ભારતમાં આજે એવો કોઈ પરિવાર નથી કે જેનું બેન્ક ખાતું ન હોય. તેથી 2000 રૂપિયાની નોટ સીધી બેન્ક ખાતામાં જમા કરાવવી જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વ્યક્તિ ફક્ત પોતાના ખાતામાં જ નોટો જમા કરાવી શકે અને કોઈ બીજાના ખાતામાં નહીં.”

આ પણ વાંચો: Delhi Crime: ફ્લેટમાંથી મળ્યો બાપ-દીકરીનો મૃતદેહ, શરીર પર ઈજાના નિશાન

દિલ્હી હાઈકોર્ટમાં દલીલો દરમિયાન રિઝર્વ બેન્કે અરજીનો વિરોધ કર્યો હતો. રિઝર્વ બેન્ક તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પરાગ ત્રિપાઠીએ 1981ના `આરકે ગર્ગ વિરુદ્ધ યુનિયન ઑફ ઈન્ડિયા` કેસના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તેમની દલીલ એવી હતી કે કોર્ટ નાણાકીય અને નાણાકીય નીતિમાં દખલ ન કરી શકે. ત્રિપાઠીએ કહ્યું હતું કે નોટો જારી કરવી અને પાછી ખેંચવી એ રિઝર્વ બેન્કનો અધિકાર છે. કોર્ટે આમાં દખલ ન કરવી જોઈએ.

national news supreme court delhi high court