NEET-UGના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું... રીટેસ્ટ કરાવવાનો વિકલ્પ સૌથી છેલ્લો, સૌપ્રથમ પેપરલીકની તપાસ કરાવો

09 July, 2024 12:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીફ જ​સ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે આ ૨૪ લાખ સ્ટુડન્ટ્સનો સવાલ છે, ઘણા એવા છે જેમને પરીક્ષાકેન્દ્ર સુધી આવવાનો ખર્ચ પણ પરવડી શકે એમ નથી

ફાઇલ તસવીર

મેડિકલ કોર્સમાં ઍડ્મિશન માટે રાષ્ટ્રવ્યાપી સ્તરે લેવામાં આવતી નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ (NEET-UG) પરીક્ષાના પેપરલીક મુદ્દે રીટેસ્ટ કરાવવા અને ૧૫૬૩ સ્ટુડન્ટ્સને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સના મુદ્દે કરવામાં આવેલી આશરે ૪૨ પિટિશનોની સુનાવણી ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આ સમયે કોર્ટે જણાવ્યું હતું કે ‘અમુક સંજોગોમાં પેપરલીક અને પરીક્ષા વચ્ચેનો સમયગાળો મર્યાદિત છે. જો સ્ટુડન્ટ્સને સવારે લીક થયેલાં પેપર મળ્યાં હોય અને તેઓ યાદ કરીને એ લખવા જાય તો લીક એટલું વ્યાપક ન હોત.’

આ કેસમાં હવે ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.

ચીફ જ​સ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જણાવ્યું હતું કે ‘આશરે ૨૪ લાખ સ્ટુડન્ટ્સને ફરીથી પરીક્ષા આપવાનું કહેવું ધિક્કારપાત્ર છે. ઘણા સ્ટુડન્ટ્સ તો એટલા ગરીબ પરિવારોમાંથી આવે છે કે જેમને પરીક્ષા-કેન્દ્ર સુધી જવા માટે મુસાફરી કરવાના પૈસા ખર્ચવા મુશ્કેલ છે. આથી જો જરૂરી હોય તો રીટેસ્ટ એ સૌથી છેલ્લો વિકલ્પ છે. ’

પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં

પેપરલીક મુદ્દે બોલતાં ચીફ જ​સ્ટિસે કહ્યું હતું કે ‘એક વાત તો સ્પષ્ટ છે કે પરીક્ષાની પવિત્રતા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં એમાં કોઈ શંકા નથી, પણ આપણે લીક કેટલું થયું છે એ જોવું પડશે. અમારે એ જોવું પડશે કે અમે લાખો સ્ટુડન્ટ્સની કરીઅરના મુદ્દે નિર્ણય લઈ રહ્યા છીએ. કેટલાક સ્ટુડન્ટ્સે છેતરપિંડી કરી છે એટલે પરીક્ષા રદ કરવી અને રીટેસ્ટ લેવાના મુદ્દે સાવચેતીભર્યું વલણ અપનાવવાની જરૂર છે.’

ક્યારે ફેરપરીક્ષા?

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પેપર લીક થવાં અને પરીક્ષાના સંચાલન વચ્ચે વધારે સમય હોય તો અમે ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપી શકીએ. જોકે કોર્ટે એ સ્ષ્ટતા કરી નહોતી કે આ સમય કેટલો હોવો જોઈએ. કોર્ટે કહ્યું હતું કે જો અમે એવા સ્ટુડન્ટ્સને ઓળખી ન શકીએ કે જેમણે ગેરરીતિ આચરી છે અથવા દોષિત છે તો અમે ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપી શકીએ છીએ.

દોષિતો સામે નિર્દયતાથી કામ લેવાની સરકારને સલાહ

બેન્ચના બીજા મેમ્બરો જ​સ્ટિસ જે. બી. પારડીવાલા અને જ​સ્ટિસ મનોજ મિશ્રાએ આ કેસમાં સરકારને પણ ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે ‘આ કેસના આરોપીઓ સામે એકદમ નિર્દયતાથી કામ લેવાની જરૂર છે. પેપર લીક કરવા માટે નાણાંની ચુકવણી કરનારા, પેપર સપ્લાય કરનારા અને પૈસા આપીને એને ખરીદનારા સ્ટુડન્ટ્સ સામેના વ્યવહારમાં સરકારે નિર્દય બનવું જોઈએ. શું થયું છે એના વિશે સરકારે રદિયો આપવાની જરૂર નથી. જો અમે પરીક્ષા રદ કરતા નથી તો સરકાર લાભાર્થીઓને ઓળખવા માટે શું કરશે? તમારે નિર્દય બનવું પડશે. આ પ્રક્રિયામાં તમારે આત્મવિશ્વાસ લાવવાની જરૂર છે.’

સરકારે શું કહ્યું હતું?

આ મુદ્દે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અમે ફરી પરીક્ષા લેવાનો ઇરાદો ધરાવતા નથી, કારણ કે એનાથી લાખો સ્ટુડન્ટ્સનું ભાવિ જોખમાય છે, પરીક્ષાના સંચાલનમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી નથી. સરકારે એ સ્વીકાર્યું હતું કે પરીક્ષાના ૨૪ કલાક પહેલાં પેપર ટેલિગ્રામ જેવી લોકપ્રિય મેસેજિંગ ઍપ પર ઉપલબ્ધ હતું. પાંચમી મેએ લેવામાં આવેલી આ પરીક્ષાનું રિઝલ્ટ ગયા મહિને જાહેર થયા બાદ વિવાદ ફાટી નીકળ્યો હતો. એક કોચિંગ-સેન્ટરના ૬૭ સ્ટુડન્ટ્સને મહત્તમ ૭૨૦ માર્ક્સ મળ્યા હતા. ૧૫૬૩ સ્ટુડન્ટ્સને પ્રોટોકૉલ વિના ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.

supreme court Education national news