17 July, 2024 12:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મનીષ સિસોદિયા
દિલ્હી શરાબ કૌભાંડમાં છેલ્લા ૧૬ મહિનાથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ત્રીજી જામીનઅરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને નોટિસ મોકલી છે. આ કેસ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ નવા સભ્યો જસ્ટિસ બી. આર. ગવઈ, સંજય કરોલ અને કે. વી. વિશ્વનાથનની બેન્ચ તૈયાર કરી છે જે બે અઠવાડિયાં બાદ ૨૯ જુલાઈએ સુનાવણી હાથ ધરશે.
દિલ્હી શરાબ કૌભાંડમાં મની લૉન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને પકડવામાં આવ્યા છે. આ કેસમાં ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરી રહી છે. તેમની જામીનઅરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે EDનો જવાબ માગ્યો છે જે ૨૯ જુલાઈ પહેલાં આપવાનો રહેશે.
મનીષ સિસોદિયાના વકીલ ઍડ્વોકેટ વિવેક જૈને કહ્યું હતું કે ‘સિસોદિયા સામેનો ખટલો ગોકળગાય ગતિથી ચાલી રહ્યો છે. સિસોદિયાની ધરપકડ ૨૦૨૩ની ૨૬ ફેબ્રુઆરીએ થઈ હતી અને આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ કેસ એ જ સ્ટેજમાં છે જે ઑક્ટોબર ૨૦૨૩માં હતો.’