ફૅમિલી કોર્ટમાં ગયા વિના સંમતિથી મૅરેજ તોડવાના મામલે સુપ્રીમ કોર્ટ પહેલી મેએ આપી શકે છે ચુકાદો

30 April, 2023 10:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટ છૂટા થવા માટે સંમત કપલ્સને ફૅમિલી કોર્ટ્સમાં મોકલ્યા વિના તેમનાં લગ્નને ભંગ કરવા માટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશાળ શક્તિઓનો ઉપયોગ કરવા વ્યાપક માપદંડો પર પહેલી મેએ પોતાનો ચુકાદો આપે એવી શક્યતા છે.

સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ સુપ્રીમ કોર્ટ છૂટા થવા માટે સંમત કપલ્સને ફૅમિલી કોર્ટ્સમાં મોકલ્યા વિના તેમનાં લગ્નને ભંગ કરવા માટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાની વિશાળ શક્તિઓનો ઉપયોગ કરવા વ્યાપક માપદંડો પર પહેલી મેએ પોતાનો ચુકાદો આપે એવી શક્યતા છે. જસ્ટિસ એસ. કે. કૌલ, સંજીવ ખન્ના, એ. એસ. ઓકા, વિક્રમ નાથ અને જે. કે. મહેશ્વરી પાંચ જજોની બંધારણીય બેન્ચે ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ એનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો. 
પોતાનો આદેશ રિઝર્વ રાખતાં અદાલતે કહ્યું હતું કે સમાજમાં પરિવર્તન આવતાં થોડો સમય લાગે છે અને ક્યારેક કાયદો લાવવો સરળ છે, પરંતુ સમાજને એની સાથે બદલવા માટે સમજાવવો મુશ્કેલ હોય છે. સુપ્રીમ કોર્ટે ભારતમાં લગ્નોમાં એક પરિવારની ખાસ ભૂમિકા હોવાનો સ્વીકાર કર્યો હતો. 
સુપ્રીમ કોર્ટ એ બાબતનો પણ વિચાર કરી રહી છે કે કલમ ૧૪૨ હેઠળ એની વ્યાપક શક્તિઓ કોઈ પણ રીતે એવા સંજોગોમાં અવરોધે છે કે જ્યાં અદાલતની દૃષ્ટિએ એક લગ્નસંબંધ તૂટી ગયો છે અને એમાં સુધારાને કોઈ અવકાશ નથી, પરંતુ એક પક્ષ ડિવૉર્સનો વિરોધ કરી રહ્યો હોય. 
આ બાબતમાં હિન્દુ મૅરેજ ઍક્ટની કલમ ૧૩-બી હેઠળ નિર્ધારિત જરૂરી સમયગાળા સુધી રાહ જોવા માટે ફેમિલી કોર્ટમાં પક્ષોને મોકલ્યા વિના પરસ્પર સંમતિથી મૅરેજને ભંગ કરવા મામલે વિચાર થઈ રહ્યો છે.

supreme court national news new delhi