28 March, 2023 11:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિલ્કિસબાનો દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને અન્ય કેટલાક લોકોનો જવાબ માગ્યો હતો. ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો દરમ્યાન બિલ્કિસ પર ગૅન્ગ-રેપ થયો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. બિલ્કિસે આ કેસમાં ૧૧ દોષીઓની સજાની મુદત પૂરી થતાં પહેલાં તેમની મુક્તિને પડકારી હતી.
આ મામલે ૧૮મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ કે. એમ. જોસેફ અને બી. વી. નાગરત્નાની બેન્ચે જણાવ્યું હતું કે ‘આ મામલે અનેક મુદ્દા સંકળાયેલા છે અને આ મામલે વિસ્તારથી સુનાવણી કરવાની જરૂર છે.’ અદાલતે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને દોષીઓને નોટિસ મોકલી હતી. સાથે જ અદાલતે ગુજરાત સરકારને સુનાવણીની આગામી તારીખે દોષીઓને સજાની મુદત પૂરી થતાં પહેલાં મુક્ત કરવાને સંબંધિત ફાઇલની સાથે તૈયાર રહેવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં અમે ભાવનાઓમાં ન વહીને માત્ર કાયદા મુજબ જ નિર્ણય કરીશું.
ચોથી જાન્યુઆરીએ જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ. ત્રિવેદીની બેન્ચે બિલ્કિસ અને અન્ય કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી. જોકે જસ્ટિસ ત્રિવેદી કોઈ કારણ આપ્યા વિના આ કેસની સુનાવણીમાંથી ખસી ગયા હતા. આ કેસમાં અરજી કરનારાંઓમાં તૃણમૂલ કૉન્ગ્રેસનાં સંસદસભ્ય મહુઆ મોઇત્રા, સીપીએમનાં પૉલિટબ્યુરો મેમ્બર સુભાષિની અલી પણ છે.
સજાની મુદત પહેલાં મુક્તિનો નિર્ણય ધોરણો અનુસાર હતો?
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સવાલ કર્યો હતો કે બિલ્કિસના કેસમાં ૧૧ દોષીઓની તેમની સજાની મુદત પહેલાં મુક્તિ આવા અન્ય કેસોમાં એના માટેનાં ધોરણો અનુસાર હતી કે નહીં. જસ્ટિસ કે. એમ. જોસેફે કહ્યું હતું કે ‘આપણી સમક્ષ આ પહેલાં અનેક મર્ડર કેસ આવ્યા છે, જેમાં દોષીઓ સજામાં રાહત વિના જેલોમાં છે. શું આ એવો કેસ છે કે જેમાં એના જેવા અન્ય કેસોનાં એકસમાન ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે?’