30 August, 2022 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
હિઝાબના વિવાદ પર સુપ્રીમ કોર્ટ પાંચમી સપ્ટેમ્બરે સુનાવણી કરશે. હિઝાબના વિવાદની શરૂઆત પહેલી જાન્યુઆરીથી થઈ હતી, જ્યારે કર્ણાટકના ઉડુપીમાં ૬ મુસ્લિમ સ્ટુડન્ટ્સને કૉલેજમાં હિઝાબ પહેરીને આવવાને લીધે ક્લાસરૂમમાં બેસતી રોકવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કર્ણાટકના શૈક્ષણિક સંસ્થાનોમાં હિઝાબ પર લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કરવાના કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ પર ગઈ કાલે રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આ અરજીઓ પર રાજ્યને નોટિસ પાઠવીને પાંચમી સપ્ટેમ્બરે સુનાવણી ઠરાવી હતી.
બેન્ચે આ મુદ્દા પર સ્થગિતનો આદેશ આપવાની માગણી કરતા કેટલાક અરજીકર્તાઓની માગણી પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોર્ટ આ પ્રકારની મંજૂરી નહીં આપે.
કર્ણાટક હાઈ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હિઝાબ પહેરવો ધાર્મિક પ્રથાનો આવશ્યક હિસ્સો નથી કે જેને બંધારણની કલમ ૨૫ હેઠળ સંરિક્ષત કરવો પડે.