04 October, 2024 11:26 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સદ્ગુરુ જગ્ગી વાસુદેવ
સદ્ગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશનની ખિલાફ તપાસ કરવાના મદ્રાસ હાઈ કોર્ટે આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે રોક લગાવી દીધી હતી. ચીફ જસ્ટિસની બૅન્ચે તામિલનાડુ પોલીસને સ્ટેટસ રિપોર્ટ સુપરત કરવાની સાથે મદ્રાસ હાઈ કોર્ટના આદેશ અનુસાર કોઈ પણ ઍક્શન લેવાની મનાઈ ફરમાવી હતી.
મંગળવારે પોલીસના ૧૫૦ જેટલા જવાનો કોઇમ્બતુરમાં ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં તપાસ કરવા પહોંચી ગયા બાદ મદ્રાસ હાઈ કોર્ટના આદેશને ઈશા ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
કોઇમ્બતુરના રિટાયર્ડ પ્રોફેસર એસ. કામરાજે ઈશા ફાઉન્ડેશન સામે મદ્રાસ હાઈ કોર્ટમાં પિટિશન કરી છે અને આરોપ લગાવ્યો છે કે ‘મારી બે દીકરીઓ ૪૨ વર્ષની ગીતા કામરાજ અને ૩૯ વર્ષની લતા કામરાજને ઈશા યોગ સેન્ટરમાં કેદમાં રાખવામાં આવી છે, તેમનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે એટલે તેઓ સંન્યાસી બની ગઈ છે, તેમને એવી દવા આપવામાં આવી છે કે તેમની વિચારવાની શક્તિ ખતમ થઈ ગઈ છે. હું તેમને મળી શકતો નથી.’
જોકે ઈશા ફાઉન્ડેશને આ આરોપોનો ઇનકાર કરીને કહ્યું હતું કે ગીતા અને લતા પોતાની મરજીથી અહીં રહે છે. ગઈ કાલે બન્ને બહેનો પણ વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહી હતી અને તેમણે પણ આ જ વાત ન્યાયમૂર્તિને કહી હતી એટલું જ નહીં, તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે તેમના પપ્પા છેલ્લાં આઠ વર્ષથી તેમને હેરાન કરી રહ્યા છે.
ત્યાર બાદ મુખ્ય ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું કે આ હેબિયસ કૉર્પસ પિટિશન (જેમાં કોઈ વ્યક્તિના હકનું ઉલ્લંઘન થયું હોય) હોવાથી અમે બન્ને યુવતી સાથે ચેમ્બરમાં વાત કરવા માગીએ છીએ. તેમની સાથે વાત કરીને પાંચ મિનિટમાં તેઓ પાછા ફર્યા હતા.
બન્ને યુવતીઓએ ન્યાયમૂર્તિને કહ્યું હતું કે તેઓ ૨૪ અને ૨૭ વર્ષની હતી ત્યારે આશ્રમમાં જોડાઈ હતી અને સ્વેચ્છાએ જ ત્યાં રહે છે. હવે કોર્ટે આગામી સુનાવણી વખતે યાચિકાકર્તા એસ. કામરાજને કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે.
જગ્ગી વાસુદેવના પગના ફોટોની કિંમત ૩૨૦૦ રૂપિયા
આશ્રમમાં મહિલાઓને બંધક બનાવતા હોવાના સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સામે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે બીજો એક વિવાદ સામે આવ્યો છે. ઈશા ફાઉન્ડેશનની સત્તાવાર વેબસાઇટ પર અનેક વસ્તુઓ વેચાય છે અને એ લિસ્ટમાં તેમના પગની તસવીર પણ છે. એ તસવીરની કિંમત ૩૨૦૦ રૂપિયા છે. સોશ્યલ મીડિયામાં આ મુદ્દો વાઇરલ થયો છે. ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરનારા ૬૭ વર્ષના સદ્ગુરુ જગ્ગી વાસુદેવના અસંખ્ય ફૉલોઅર છે. દર મહાશિવરાત્રિએ કોઇમ્બતુરમાં ભવ્ય કાર્યક્રમ યોજાય છે અને અનેક નામી-પ્રખ્યાત લોકો એમાં જતા હોય છે.