સુપ્રિમ કોર્ટનો પ્રશાંત ભૂષણને વળતો જવાબ, માફી માગવામાં શું ખોટું છે?

25 August, 2020 04:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રિમ કોર્ટનો પ્રશાંત ભૂષણને વળતો જવાબ, માફી માગવામાં શું ખોટું છે?

પ્રશાંત ભૂષણ

વકીલ-આંદોલનકાર પ્રશાંત ભૂષણ (Prashant Bhushan)એ કરેલા ટ્વીટ્સ બદલ ચીફ જસ્ટીસ એસએ બોબડે (SA Bobde) અને સુપ્રિમ કોર્ટ (Supreme Court)ની માફી માગવાનું નકાર્યું હતું. જોકે ચેતવણી બાદ તેમને ક્ષમા કરવાની દલીલ સરકારના ટોચના વકીલ કેકે વેણુગોપાલ (KK Venugopal)એ કરી હતી.

સુપ્રિમ કોર્ટમાં એટર્ની જનરલે કહ્યું કે, તેમને ભવિષ્યમાં ફરી આવું નહી કરવાની વોર્નિંગ આપીને જવા દો. વકીલે દલીલ કરી કે તેમને રાજનીતિજ્ઞતા બતાવીને પોતાના પાવરનો અનાદર ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવે.

આ પછી સુપ્રિમ કોર્ટે 30 મીનિટનો બ્રેક લીધો હતો. જેમાં પ્રશાંત ભૂષણના 100 પાનાનાં સ્ટેટમેન્ટને વિડ્રો કરવા માટે વિચારણા થઈ હતી. આ 100 પાનાંના સ્ટેટમેન્ટમાં ભૂષણે ફક્ત માફી નહીં માગવાની જ વાત નથી કરી પરંતુ કહ્યું કે, ‘ભારતના નાગરિકોને આ કોર્ટના કોઈ એક્ઝીક્યુટિવના નિયમ ઉપર નહીં પરંતુ આ કોર્ટના કાયદાના નિયમો અને બંધારણ ઉપર અત્યંત વિશ્વાસ છે.’

આ સ્ટેટમેન્ટ સામે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અમને અલગ સ્ટેટમેન્ટની અપેક્ષા હતી. તેમના ટ્વીટ્સને વાજબી ગણાવવા માટે જે રિપ્લાય આપ્યો છે તે વાંચવું પિડાદાયક છે. આ યોગ્ય નથી. 30 વર્ષનો અનુભવ ધરાવતા પ્રશાંત ભૂષણ જેવા વરિષ્ઠ નેતા આવી રીતે વર્તન કરે. આ વર્તન હવે તેમનું જ નથી,ઘણાં લોકોમાં સામાન્ય થતું જાય છે.

પ્રશાંત ભૂષણ ગિલ્ટી હોવા છતાં માફી માગવા તૈયાર નથી. સરકારી વકીલે કહ્યું કે, ‘અમૂક નિવૃત્ત જજ પણ સુપ્રિમ કોર્ટમાં ભ્રષ્ટાચાર બાબતે ટિપ્પણી કરે છે. આવા નિવેદનો આપવા પાછળનું કારણ એ હોય છે કે કોર્ટ સંબંધિત સુધારા કરતી રહે.’

આ સામે જસ્ટીસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, ‘તે (પ્રશાંત ભૂષણ) એવું નથી વિચારતા કે તેમણે ખોટું કર્યું છે. તેમણે માફીપત્ર પણ આપ્યું નથી. લોકો ભૂલ કરે છે, ઘણી વાર વરિષ્ઠ લોકો પણ ભૂલો કરે છે. પરંતુ તેઓ માનતા નથી કે તેમણે ભૂલ કરી છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ વિચારે કે તેણે ભૂલ કરી જ નથી તો તેનું શું કરવું?’

આ સામે વેણુગોપાલે કહ્યું કે, જ્યારે બે સીબીઆઈ ઓફિસર લડતા હતા ત્યારે પ્રશાંત ભૂષણે મને એમ કહ્યું કે મે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યાં છે ત્યારે હું પોતે પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ફાઈલ કરવાનો હતો. પરંતુ તેમણે દિલગીરી વ્યક્ત કરતા મેં ફાઈલ ન કર્યું. તેમણે જે નિવેદન આપ્યું છે તેમાં લોકશાહીને અપનાવો. જો કોર્ટ આ બાબતને જતી કરે તો કોર્ટની જબરદસ્ત પ્રશંસા કરવામાં આવશે. કોર્ટ કરૂણા દૃષ્ટિ રાખે.

જસ્ટીસ મિશ્રાએ સવાલ કર્યો કે, જો તે માનતા હોય કે તેમણે ભૂલ કરી જ નથી તો વોર્નિંગ આપવાનો શું મતલબ? તેમણે કોર્ટ અને તેના જજોનું અવમાન કર્યું છે. હવે જો આ બાબતની જતી કરશું તો ફરી અમારા ઉપર જ સવાલ થશે કે શા માટે આ કેસને જવા દીધો.

આ સામે વેણુગોપાલે કહ્યું કે, પ્રશાંત ભૂષણે વર્ષ 2009માં અનાદર કેસમાં દિલગીરી વ્યક્ત કરી હતી.

જસ્ટીસ મિશ્રાએ સ્ટેટમેન્ટમાંથી હજી એક મુદ્દો ઉપાડ્યો હતો. આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું કે, કોર્ટ હવે એક્ઝીક્યુટિવ-માઈન્ડેડ થઈ છે. હવે આ બાબતે તમે શું કહેશો? આ બધું અમે કેવી રીતે જતું કરીએ?

જોકે આ સામે ભૂષણના વકીલે કહ્યું કે, કોર્ટે ટીકા તો સહન કરવી જ પડશે. તમારા ખભા એ માટે મજબૂત છે. તેમણે જસ્ટીસ મિશ્રાને તેમનું જ ઉદાહરણ આપ્યું હતું. વકીલે કહ્યું કે, જ્યારે તમે કલકત્તા હાઈ કોર્ટના જજ હતા ત્યારે મમતા બેનર્જીએ કહ્યું હતું કે દરેક જજ ભ્રષ્ટ છે. તેમ છતાં આ બાબતે કોઈ પગલા લેવાયા નહોતા.

જ્યારે કોર્ટે પૂછ્યું કે ભૂષણને શું સજા થવી જોઈએ ત્યારે વકીલે કહ્યું કે, પ્રશાંત ભૂષણને શહીદ ન કરો. આ કોર્ટ તેમને શું સજા આપશે તેના ઉપર જ આખા વિવાદનો આધાર રાખે છે અને આ વિવાદનો અંત લાવવા માટે કોર્ટે ફક્ત પોતાની રાજનીતિજ્ઞતા બતાવવી પડશે.

prashant bhushan supreme court