24 February, 2023 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે (Supreme Court) પીરિયડ્સની રજા (Periods Leave) માટે સ્કૂલની વિદ્યાર્થિનીઓ અને વર્કિંગ વુમન દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ભારતના CJI ધનંજય વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે શુક્રવારે (24 ફેબ્રુઆરી) કહ્યું કે આ મામલો નીતિગત નિર્ણય હેઠળ આવે છે.
ખંડપીઠે કહ્યું કે, “નીતિની વિચારણાઓના સંદર્ભમાં, તે યોગ્ય રહેશે કે અરજદાર મહિલા, બાળ અને મહિલા વિકાસ મંત્રાલયનો સંપર્ક કરે. તે મુજબ અરજીનો નિકાલ કરવામાં આવે છે.” સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, બેન્ચે આ મામલે હસ્તક્ષેપ કરનારા એક એડવોકેટના મંતવ્યોનું સમર્થન કર્યું હતું કે કોઈપણ ન્યાયિક આદેશ વાસ્તવમાં મહિલાઓ માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.
કોર્ટે આ દલીલ આપી
કોર્ટે કહ્યું કે, "અમે પિટિશન સાંભળી નથી કારણ કે તેમાં એક સમસ્યા છે. જો તમે નોકરી આપનારને પીરિયડ લીવ આપવા માટે દબાણ કરશો, તો એવું બની શકે છે કે તેઓ મહિલાઓને નોકરી આપવાનું ટાળે. ઉપરાંત, આ સ્પષ્ટપણે એક નીતિ વિષયક છે. તેથી, અમે તેણે ન્યાય આપી શકીએ નહીં."
અરજદારે શું કર્યું?
પીઆઈએલમાં એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠીએ 1961ના મેટરનિટી બેનિફિટ એક્ટ પર ભાર મૂક્યો હતો, જે ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ વુમનને પીરિયડ્સ દરમિયાન તેમના સંબંધિત કાર્યસ્થળો પર માસિક રજા આપે છે. ત્રિપાઠીએ દલીલ કરી હતી કે માતૃત્વ સંબંધિત મહિલાઓને આવતી લગભગ તમામ સમસ્યાઓ માટે કાયદામાં જોગવાઈઓ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, "અધિનિયમની જોગવાઈઓએ નોકરીદાતાઓ માટે તેમની મહિલા કર્મચારીઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન, કસુવાવડના કિસ્સામાં, નસબંધી ઓપરેશન માટે અને જો કોઈ તબીબી ગુંચવણો આવે તો બીમારીના કિસ્સામાં ચોક્કસ દિવસો માટે રજા આપવાનું ફરજિયાત બનાવ્યું છે.”
આ પણ વાંચો: બંદૂક અને તલવાર લઈને ખાલિસ્તાની સપોર્ટર્સે પોલીસ-સ્ટેશન પર કર્યો હુમલો
`રાજ્ય સરકારોને નિયમો બનાવવા સૂચના આપો`
ત્રિપાઠીએ સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી હતી કે કોર્ટ રાજ્ય સરકારોને તેમના સંબંધિત કાર્યસ્થળો પર ગર્લ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ મહિલાઓ માટે પીરિયડ્સ દરમિયાન રજા માટે યોગ્ય રજાના નિયમો ઘડવા માટે નિર્દેશ આપે. જોકે કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.