11 May, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)માં વહીવટી સેવાઓના નિયંત્રણને લઈને ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે જમીન, કાયદો અને વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થા સિવાય અન્ય તમામ બાબતોમાં દિલ્હી સરકાર (Delhi Government)નો વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ રહેશે. ચુકાદો વાંચતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આ સર્વસંમતિથી લેવાયેલ નિર્ણય છે. દેશની સૌથી મોટી કોર્ટે કહ્યું કે વહીવટ પર ચૂંટાયેલી સરકારનું નિયંત્રણ જરૂરી છે. સીજેઆઈએ કહ્યું કે બેન્ચ જસ્ટિસ અશોક ભૂષણના 2019ના ચુકાદા સાથે સહમત નથી કે દિલ્હીને સેવાઓ પર કોઈ અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, “દિલ્હી સરકારની કાર્યકારી સત્તા જાહેર વ્યવસ્થા, જમીન અને પોલીસના ત્રણ વિષયો સુધી વિસ્તરશે નહીં, જેના પર વિશેષ કાયદો બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે છે. જોકે, દિલ્હીમાં તહેનાત IAS અને સંયુક્ત કેડરના અધિકારીઓ પર દિલ્હી સરકારનું નિયંત્રણ રહેશે. LGએ તમામ બાબતોના સંદર્ભમાં દિલ્હી સરકારની સહાય અને સલાહ પર કાર્ય કરવા માટે બંધાયેલા રહેશે, જેના પર દિલ્હી સરકારને કાયદો બનાવવાની સત્તા છે. લેફ્ટનન્ટ ગવર્નરનો અધિકાર સેવાની બાબતોમાં દિલ્હી સરકારની મદદ અને સલાહ સુધી જ મર્યાદિત રહેશે.”
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “રાજ્યો પાસે પણ સત્તા છે, પરંતુ રાજ્યની કાર્યકારી શાસન સંઘના વર્તમાન કાયદાને આધીન છે. તે સુનિશ્ચિત કરવું પડશે કે રાજ્યોનું શાસન સંઘ દ્વારા લેવામાં ન આવે.” સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, “જો વહીવટી સેવાઓને કાયદાકીય અને કારોબારી ક્ષેત્રની બહાર રાખવામાં આવે છે, તો પછી પ્રધાનોને સનદી અધિકારીઓના નિયંત્રણમાંથી બાકાત રાખવામાં આવશે, જેમણે વહીવટી નિર્ણયોનો અમલ કરવો પડશે.”
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. બેન્ચના સભ્યોમાં જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હા પણ સામેલ હતા. કેન્દ્ર અને દિલ્હી સરકાર તરફથી અનુક્રમે હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની પાંચ દિવસની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે 18 જાન્યુઆરીએ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.
આ પણ વાંચો: ગેહલોટને પોતાના વિધાનસભ્યો પર ભરોસો નથીઃ પીએમ
બંધારણીય બેન્ચની રચના દિલ્હીમાં વહીવટી સેવાઓ પર કેન્દ્ર અને દિલ્હી સરકારની કાયદાકીય અને કારોબારી સત્તાઓના અવકાશને લગતા કાયદાકીય મુદ્દાઓની સુનાવણી માટે કરવામાં આવી હતી. ગયા વર્ષે 6 મેના રોજ દેશની સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલી આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે.