કોરોનાનો વાઇરસ મગજમાં આઠ મહિના સુધી રહે છે

02 January, 2023 10:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં કોવિડને કારણે મૃત્યુ પામેલા ૩૮ પેશન્ટ્સનાં શબ-પરીક્ષણ બાદ જાહેર કરવામાં આવ્યો રિપોર્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : કોરોનાને કારણે મૃત્યુ પામેલા ૪૪ જેટલા દરદીઓનું શબ-પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી મળેલી માહિતી મુજબ એસએઆર-સીઓવી-ટૂ આ વાઇરસ મગજ સહિત સમગ્ર શરીરમાં ફેલાય છે તેમ જ ત્યાં આઠ મહિના સુધી રહે છે. મરનારા પૈકી કોઈએ એક પણ વૅક્સિન લીધી નહોતી. ૩૮ દરદીઓના બ્લડ પ્લાઝમામાં એસએઆર-સીઓવી-ટૂ પૉઝિટિવ જોવા મળ્યો હતો. ત્રણ પેશન્ટ્સમાં એ નેગેટિવ હતો તો ત્રણ પેશન્ટ્સના બ્લડ પ્લાઝમા મળ્યા નહોતા. અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા આ શબ-પરીક્ષણ એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધી કરવામાં આવ્યું હતું. ૧૧ પેશન્ટ્સના સમગ્ર ન્યુરોલૉજિકલ સિસ્ટમનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

 તમામની સરેરાશ ઉંમર ૬૨.૫ વર્ષની હતી. ૩૦ ટકા પેશન્ટ્સ મહિલાઓ હતી. વિશ્લેષણ મુજબ એસએઆર-સીઓવી-ટૂ વાઇરસ ફેફસાં અને શ્વસનના ટિશ્યુને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. વળી દરદીને વાઇરસનાં લક્ષણ શરૂ થયાના ૨૩૦ દિવસ બાદ એમણે વાઇરલ આરએનએની ઓળખ કરી હતી. એક દરદીના નાના મગજમાં, બે દરદીના કરોડરજ્જુમાં અને મજ્જાતંતુઓની ગ્રંથિમાં એસએઆર-સીઓવી-ટૂ અને પ્રોટીમ મળ્યું હતું. મગજની પેશીઓમાં મોટી સંખ્યામાં વાઇરસ હોવા છતાં એને બહુ ઓછું નુકસાન થયું હતું. ભારતે અગાઉ ઘોષણા કરી હતી કે પહેલી જાન્યુઆરીથી ચીન, હૉન્ગકૉન્ગ, જપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલૅન્ડના તમામ પ્રવાસીઓએ પીસીઆર ટેસ્ટ કરાવવી પડશે. અમેરિકામાં કોરોનાના નવા ૪૦.૫ ટકા કેસ ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ એક્સબીબી ૧.૫ને કારણે થાય છે.

નોંધપાત્ર છે કે ચીન સહિત અનેક દેશોમાં અત્યારે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે કે ચીનમાં ૧૩મી જાન્યુઆરીની આસપાસ આ લહેર પીક પર પહોંચશે. આવી સ્થિતિમાં તાઇવાને ચીન સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે. નોંધપાત્ર છે કે ચીન એના યુદ્ધજહાંજો અને યુદ્ધવિમાનો તાઇવાનની સીમામાં મોકલીને એને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. આમ છતાં તાઇવાને આ ક્રાઇસિસમાં મદદ કરવાની તૈયારી બતાવી છે. 

national news coronavirus covid19 new delhi