‘બન્નેએ અમને મારી નાખવાના ઇરાદાથી ગોળીબાર કર્યો હતો’

15 April, 2023 12:02 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

અસદ અહમદ અને ગુલામના એન્કાઉન્ટરના એફઆઇઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે આમ જણાવ્યું હતું

અસદ અહમદ અને ગુલામના એન્કાઉન્ટરના એફઆઇઆરમાં ઉત્તર પ્રદેશ પોલીસે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ગૅન્ગસ્ટર અતિક અહમદના દીકરા અસદ અહમદ અને ગુલામના એન્કાઉન્ટરની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ એન્કાઉન્ટર બાદ તરત જ એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસે અસદ અને ગુલામને જીવતા પકડવાની કોશિશ કરી હતી. આ બન્ને આરોપીઓ ગુરુવારે ઝાંસીમાં ઉત્તર પ્રદેશની પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. 
એફઆઇઆરમાં વિગતો આપવામાં આવી છે કે ‘આ બે આરોપીઓ જે બાઇક પર ભાગી રહ્યા હતા અમે એને ઓવરટેક કરવા માટે અમારા કાર-ડ્રાઇવરને કહ્યું હતું. અમે મોટેથી બૂમ પાડીને તેમને વાહન રોકવાનું કહ્યું હતું. તેમણે સ્પીડ વધારી અને ભાગી જવા માટે એક કાચા રસ્તા પર વળાંક લીધો હતો. બીજી ટીમે ઑલરેડી તેમને ઘેરી લીધા હતા. અમે સતત આરોપીઓને ચેતવણી આપતા રહ્યા હતા. એવામાં એક વૃક્ષ પાસે તેમની બાઇક ​સ્લિપ થઈ ગઈ હતી.’
આ એફઆઇઆરમાં વધુ લખવામાં આવ્યું હતું કે ‘અસદ અને ગુલામ છુપાઈને પોલીસ માટે અપશબ્દો કહેતા રહ્યા હતા અને મારી નાખવાના ઇરાદાથી તેઓએ ગોળી ચલાવી હતી.’
પોલીસે જણાવ્યું હતું કે તેમણે તેમનાં વેહિકલ્સ રોક્યાં હતાં, પોતાની જાતને કવર કરીને આ આરોપીઓની ફાયરિંગ રેન્જમાં ચાલીને ગયા અને પોતાની સુરક્ષાની પરવાહ કર્યા વિના આ બન્ને આરોપીઓને જીવતા પકડવાની કોશિશ કરી હતી. 
તેમણે વળતો ગોળીબાર કરવો પડ્યો હતો, કેમ કે આરોપીઓએ અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. થોડા સમય પછી સામે પક્ષેથી ફાયરિંગ અટકી ગયું હતું. નજીક ગયા બાદ તેમણે અસદ અને ગુલામ ઇન્જર્ડ હોવાનું જોયું હતું. 
આ એફઆઇઆરમાં વધુમાં જણાવાયું છે કે ‘તેમને બન્નેને તાત્કાલિક બે અલગ-અલગ ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા, પરંતુ બાદમાં જાણ થઈ કે તેઓ બન્ને મરી ગયા છે. ઘટનાસ્થળેથી પિસ્તોલ, બુલેટ શેલ્સ, લાઇવ બુલેટ્સ, મોટરસાઇકલ અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.’
પોલીસને અતિક અહમદની ગૅન્ગના ભાગ રહેલા એક બાતમીદારે ૧૩ એપ્રિલે જણાવ્યું હતું કે અસદ અને ગુલામ ઝાંસીમાં છે. ત્યાર બાદ પોલીસે જાળ બિછાવવાનું શરૂ કર્યું હતું. 

૬ વર્ષમાં ૧૦,૯૦૦ એન્કાઉન્ટર, ૧૮૩ ઠાર
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં છેલ્લાં ૬ વર્ષમાં એન્કાઉન્ટર્સમાં ઠાર મરાયેલા ક્રિમિનલ્સની સંખ્યા ૧૮૩ પર પહોંચી છે. રાજ્યમાં ૧૦,૯૦૦ એન્કાઉન્ટર થયાં છે. જિલ્લા મુજબ આંકડાઓની વાત કરીએ તો મેરઠમાં સૌથી વધુ ૩૧૫૨ એન્કાઉન્ટર થયાં છે, જેમાં ૬૩ આરોપીઓનો ખાતમો બોલાવાયો છે અને ૧૭૦૮ને ઈજા થઈ છે.  

ગુલામની માતાએ કહ્યું, ‘મૃતદેહ લેવા નહીં જાઉં’
ગૅન્ગસ્ટર-પૉલિટિશ્યન અતિક અહમદની ગૅન્ગનો મેમ્બર ગુલામ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે ત્યારે તેની માતાએ રાજ્ય સરકારની ઍક્શનને બિલકુલ યોગ્ય ગણ‌ાવી છે. 
ગુલામ હસન બીજેપીના માઇનૉરિટી સેલના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ રાહિલ હસનનો ભાઈ હતો. તેના માથે પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું. 
દરમ્યાન ગુલામની માતા ખુશનુદાએ આ એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે ‘જેટલા પણ ખરાબ કામ કરનારા છે, તેઓ આખી જિંદગી યાદ રાખશે. અમારી દૃ​ષ્ટિએ યુપી-એસટીએફે કંઈ પણ ખોટું કર્યું નથી, કેમ કે તેણે કોઈના દીકરાને તો માર્યો હતોને? હવે જ્યારે તેની સાથે એ જ થયું તો અમે કેવી રીતે એને ખોટું કહીએ? કોણ જાણે કોણે દીકરાને ખોટા માર્ગે દોર્યો. હું તેનો મૃતદેહ લેવા નહીં જાઉં. તેની પત્નીનો તેના પર અધિકાર છે, હું તેને ના પાડી ન શકું.’
તેમણે વારંવાર કહ્યું હતું કે ‘તે ખૂબ સારો હતો, પરંતુ કોઈ તેને ખોટા માર્ગે લઈ ગયો હતો, તેનું નામ હું ન લઈ શકું.’

national news uttar pradesh