રાજસ્થાનમાં સ્ટેટ ઓપન સ્કૂલ-બોર્ડની પરીક્ષામાં શિક્ષકો જ કરાવી રહ્યા હતા સામૂહિક કૉપી

18 July, 2024 07:20 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

સરકારી સ્કૂલને તાળું જોઈને ફ્લાઇંગ-સ્ક્વૉડના અધિકારીઓ દીવાલ કૂદીને અંદર પહોંચ્યા : કૉપી કરાવવાનો ચાર્જ માત્ર ૨૦૦૦ રૂપિયા : બે સાયન્સ ટીચર્સ સ્ટુડન્ટ્સ માટે આપી રહી હતી પરીક્ષા

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

રાજસ્થાનમાં સ્ટેટ ઓપન સ્કૂલ-બોર્ડની ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષામાં સરકારી સ્કૂલ દ્વારા જ સામૂહિક કૉપી કરાવવાનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે, જેમાં સ્કૂલના 
શિક્ષકોએ જ બ્લૅકબોર્ડ પર પ્રશ્નોના જવાબ લખી દીધા હતા. આ ઘટના ફલોદી જિલ્લામાં દેચુ તહસીલના કોલુ ગામમાં બની હતી.

આ ગામમાં શિક્ષકો સામૂહિક કૉપી કરાવી રહ્યાની ફરિયાદ મળતાં શિક્ષણઅધિકારી નિશિ જૈનની ટીમ મંગળવારે ગામમાં પહોંચી હતી. પરીક્ષા વખતે સરકારી સ્કૂલને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું. બૂમ મારવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં એટલે ફ્લાઇંગ-સ્ક્વૉડના અધિકારીઓ વિડિયોગ્રાફરોની ટીમ સાથે સ્કૂલની દીવાલ કૂદીને અંદર પહોંચ્યા ત્યારે ક્લાસમાં શિક્ષકો જ પ્રશ્નોના જવાબ બ્લૅકબોર્ડ પર લખતા દેખાયા હતા. કેટલાય ડમી સ્ટુડન્ટ્સ પણ મળી આવ્યા હતા. આ બધાનો વિડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. કેટલાક શિક્ષકો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. બે સરકારી શિક્ષિકાઓ બ્લૅકબોર્ડની પાછળ છુપાઈ ગઈ હતી.

અધિકારીઓની ટીમે પોલીસને બોલાવીને સ્કૂલના પ્રિન્સિપાલ સહિત ૧૦ શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ સ્કૂલમાં માત્ર ૨૦૦૦ રૂપિયા લઈને સામૂહિક કૉપી કરાવવામાં આવતી હોવાનું ફરિયાદમાં લખવામાં આવ્યું છે. અનસૂયા અને કોમલ વર્મા નામની બે સાયન્સ ટીચર્સ સ્ટુડન્ટ્સ માટે ડમી પરીક્ષા આપી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.

national news rajasthan Education Crime News viral videos