આંતરરાષ્ટ્રીય વેપાર માટે શ્રીલંકા ભારતીય રૂપિયાનો ઉપયોગ કરશે

20 December, 2022 11:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લા એક વર્ષથી આર્થિક કટોકટી અને ડૉલરની અછતનો સામનો કરી રહેલા પાડોશી દેશે રૂપિયામાં ટ્રેડિંગ કરવા માટે સ્પેશ્યલ વૉસ્ટ્રોરૂપી અકાઉન્ટ પણ ઓપન કર્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવી દિલ્હી : ભારત સરકાર જે દેશોને ડૉલરની અછત છે એવા દેશોને ભારતીય રૂપિયાના વેપાર સેટલમેન્ટ મેકૅનિઝમના દાયરામાં લાવવાની રીતો શોધી રહી છે એમ ભારત સરકાર દ્વારા જણાવાયાના થોડા દિવસો બાદ શ્રીલંકા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારતીય રૂપિયા (આઇએનઆર)નો ઉપયોગ કરવા સંમત થયું હતું.

સેન્ટ્રલ બૅન્ક ઑફ શ્રીલંકા (સીબીએસએલ)એ કહ્યું હતું કે એ ભારતીય રૂપિયાને શ્રીલંકાના વિદેશી ચલણ તરીકે નિયુક્ત કરવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મંજૂરીની રાહ જોઈ રહી છે. શ્રીલંકાની બૅન્કોએ કથિત રીતે ભારતીય રૂપિયામાં ટ્રેડિંગ કરવા માટે–વિશેષ વૉસ્ટ્રોરૂપી અકાઉન્ટ્સ (એસવીઆરએ) તરીકે ઓળખાતા વિશેષ રૂપી ટ્રેડિંગ અકાઉન્ટ ખોલ્યાં હોવાનું કહેવાય છે. ભારતના પાડોશી ટાપુ દેશે પણ સાર્ક પ્રદેશોમાં પ્રવાસન તેમ જ વેપારને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બૅન્કને વિનંતી કરી છે. 

શ્રીલંકામાં છેલ્લા એક વર્ષથી ગંભીર આર્થિક કટોકટી અને ડૉલરની અછત વર્તાઈ રહી છે. ભારતીય રૂપિયાને કાયદેસર ચલણ તરીકે માન્યતા આપવાથી દ્વીપ રાષ્ટ્રોને જરૂરી લિક્વિડિટી સપોર્ટ મળી રહેશે. 

વૉસ્ટ્રો અકાઉન્ટ્સ ખોલવાને પગલે શ્રીલંકામાં લોકો હવે ભૌતિક સ્વરૂપમાં ૧૦,૦૦૦ અમેરિકી ડૉલર (૮,૨૬,૮૨૩ રૂપિયા) રાખી શકશે. આ ઉપરાંત શ્રીલંકન અને ભારતીયો એકબીજા વચ્ચે આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે અમેરિકી ડૉલરને બદલે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શકશે. નોંધનીય છે કે આ વર્ષના જુલાઈ મહિનાથી ભારત સરકાર જેની પાસે ડૉલરની અછત હોય એવા દેશોને એના રૂપિયા સેટલમેન્ટ મેકૅનિઝમમાં લાવવાનું વિચારી રહી છે. 

national news new delhi reserve bank of india sri lanka indian rupee