સૅલ્યુટ કરો સ્ક્વૉડ્રન લીડર મોહના સિંહને

19 September, 2024 01:02 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેજસ ફાઇટર જેટ ઉડાડનારી પહેલી મહિલા બનશે

સ્ક્વૉડ્રન લીડર મોહના સિંહ

ભારતની પહેલી મહિલા ફાઇટરોમાંની એક સ્ક્વૉડ્રન લીડર મોહના સિંહને હવે સ્વદેશી ફાઇટર પ્લેન લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ (LCA) તેજસને ઉડાવવા માટે તૈયાર કરાયેલી પ્રતિષ્ઠિત 18 ફ્લાઇંગ બુલેટ્સ સ્ક્વૉડ્રનમાં સામેલ કરી લેવામાં આવી છે. ઇન્ડિયન ઍરફોર્સમાં મહિલાઓ માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

તાજેતરમાં જોધપુરમાં તરંગ શક્તિ નામની એક્સરસાઇઝ થઈ હતી જેમાં મોહના સિંહે ત્રણેય સેનાના વાઇસ ચીફ સાથે ઉડાન ભરી હતી. આ સમયે તેણે આર્મી અને નૌકાદળના વાઇસ ચીફને તેજસ ફાઇટર જેટમાં ઉડાન ભરવા પહેલાં તમામ જરૂરી નિર્દેશ આપ્યા અને તેમની મદદ કરી હતી.

અત્યાર સુધી તે MiG-21 ફાઇટર જેટ ઉડાવતી હતી, પણ તાજેતરમાં તેને પાકિસ્તાન સરહદ પર આવેલા ગુજરાતમાં નલિયા ઍરબેઝ પર LCA સ્ક્વૉડ્રનમાં સામેલ કરાઈ હતી.

ત્રણની ત્રિપુટી

મોહના સિંહ, ભાવના કાંત અને અવનિ ચતુર્વેદી ઇન્ડિયન ઍરફોર્સની પહેલી મહિલા ફાઇટરોના સમૂહનો હિસ્સો છે. હવે મોહના તેજસ ફાઇટર જેટ ઉડાવશે, તેની સાથીઓ ભાવના અને અવનિ સુખોઈ Su-30 MKI ફાઇટર પ્લેન ઉડાવશે. ઇન્ડિયન ઍરફોર્સમાં મહિલા પાઇલટોની ભરતીનો માર્ગ ૨૦૧૬માં ખૂલ્યો હતો અને એમાં હાલમાં ૨૦ મહિલા ફાઇટરો કાર્યરત છે. 

indian air force national news