30 April, 2024 07:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન બાદ સોશ્યલ મીડિયામાં ગૃહપ્રધાન અમિત શાહનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં અમિત શાહ BJPની સરકાર બનશે તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અધર બૅકવર્ડ ક્લાસના આરક્ષણને ખતમ કરવાની વાત કરી રહેલા દેખાય છે.
રવિવારે અમિત શાહના આ બનાવટી વાઇરલ વિડિયોને પોસ્ટ કરનારા લોકો સામે દિલ્હી પોલીસના વિશેષ સેલે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. ગૃહમંત્રાલયે પણ આ મામલો ગંભીરતાથી લીધો છે અને સ્પેશ્યલ સેલ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સના એ અકાઉન્ટ પર નજર રાખી રહ્યું છે જે આ વિડિયો પોસ્ટ કરી રહ્યા છે. વિડિયો ડિલીટ કરનારા લોકો પણ તપાસ એજન્સીઓની નજરમાં છે.
BJPના ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી વિભાગના વડા અમિત માલવિયે કહ્યું હતું કે જે લોકોએ આ બનાવટી વિડિયો તૈયાર કર્યો છે તેઓ પોલીસ-કાર્યવાહી માટે તૈયાર રહે. ઓરિજિનલ વિડિયોમાં અમિત શાહ તેલંગણમાં મુસ્લિમો માટેના ગેરબંધારણીય આરક્ષણને હટાવવાની વાત કરી રહ્યા છે.
આ વાઇરલ વિડિયોને ઍક્સ પર મૂકનારી વ્યક્તિ એવું કહેતી નજરે પડે છે કે ‘મતદાન કરતાં પહેલાં ગૃહપ્રધાન અમિત શાહનું આરક્ષણ વિશેનું આ નિવેદન સાંભળી લો. તેઓ કહે છે કે ૪૦૦ બેઠક પર જીત મળશે તો બંધારણમાં ફેરફાર કરી દેવાશે.’
જે મૂળ વિડિયો પરથી બનાવટી વિડિયો તૈયાર થયો છે એ પ્રવચન અમિત શાહે તેલંગણમાં આપ્યું હતું અને એમાં તેમણે કહ્યું હતું કે જો BJP સરકાર બનશે તો રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવેલા ગેરબંધારણીય આરક્ષણને રદ કરાશે.