30 November, 2024 02:17 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
પંબન બ્રિજ
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર તામિલનાડુમાં મન્નારની ખાડી પર બાંધવામાં આવેલા ભારતને રામેશ્વરમ ટાપુ સાથે જોડતા નવા પંબન બ્રિજની તસવીરો શૅર કરી હતી. તેમણે બ્રિજનો નાઇટ-વ્યુ પણ શૅર કર્યો હતો. આ બ્રિજ પર ભારતની પહેલી ૭૨ મીટરની વર્ટિકલ લિફ્ટ ફિટ કરવામાં આવી છે.
અશ્વિની વૈષ્ણવે પોસ્ટમાં લખ્યું હતું કે ‘પંબન બ્રિજ આધુનિક એન્જિનિયરિંગનો ચમત્કાર છે. ૨.૦૫ કિલોમીટર લાંબો અને ૭૨ મીટર વર્ટિકલ લિફ્ટ સ્પૅન ધરાવતો આ પ્રકારનો દેશમાં પહેલો બ્રિજ છે અને આ સ્ટીલ બ્રિજની ડિઝાઇન TYSPA ઇન્ટરનૅશનલ કન્સલ્ટન્ટે તૈયાર કરી છે. આ ડિઝાઇનમાં યુરોપિયન અને ભારતીય કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજની ડિઝાઇનની ચકાસણી IIT-ચેન્નઈએ કરી છે અને IIT-મુંબઈએ પણ વધારાની ચકાસણી કરી છે. આ પ્રોજેક્ટ એક મહત્ત્વપૂર્ણ અપગ્રેડેશન છે જેને ગતિ, સુરક્ષા અને ઇનોવેશન માટે તૈયાર કરવામાં આવ્યો છે.’
૧૯૧૪માં બનાવવામાં આવેલા જૂના પંબન બ્રિજમાં કાટ લાગવાથી એને ૨૦૨૨ના ડિસેમ્બરમાં બંધ કરી દેવામાં આવ્યો છે. આ જૂનો બ્રિજ ૧૦૫ વર્ષ સુધી પંબન બ્રિજ અને રામેશ્વરમને જોડતો રહ્યો હતો. નવો બ્રિજ આધુનિક કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ કરશે, કારણ કે આ બ્રિજ પર ૮૦ કિલોમીટરની ઝડપે ટ્રેનો દોડાવી શકાશે. જૂના બ્રિજ પરથી ટ્રેનને પસાર થવામાં ૨૫ મિનિટ લાગતી હતી, જ્યારે નવા બ્રિજ પરથી ટ્રેન પાંચ મિનિટમાં પસાર થઈ શકશે. ટ્રેનનો ટ્રાફિક ન હોય ત્યારે બ્રિજને સ્લૅબ પરથી ઉપાડીને નીચેથી જહાજોને પસાર કરી શકાશે. ઑટોમેટેડ વર્ટિકલ લિફ્ટ સ્પૅન ૫૪ મીટરની સેફ એક્ઝિટ આપશે જેથી મોટા જહાજ પણ એની નીચેથી પસાર થઈ શકશે. આ બ્રિજનું જલદી ઉદ્ઘાટન થશે અને એના પરથી ટ્રેનો દોડશે.