સોનિયાએ ઇટલીમાં પિતાના વારસામાંથી શું મળ્યું એની પૂરેપૂરી વિગત આપી નથી

17 February, 2024 12:59 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાજ્યસભા માટેની ઉમેદવારી ભરતી વખતે આપેલી વિગતો મુજબ ટોટલ સાડાબાર કરોડ રૂપિયાની સંપત્તિ અને એમાંથી ૨૭ લાખનું ઘર ઇટલીમાં

સોનિયા ગાંધી

બીજેપીના નેતાએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી કે સોનિયા ગાંધી ઇટલીમાં પિતાની પ્રૉપર્ટીમાં પોતાના હિસ્સાની સંપૂર્ણ વિગતો દર્શાવતાં નથી. કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણી માટે ઍફિડેવિટમાં ૧૨.૫૩ કરોડ રૂપિયાની ઍસેટ જાહેર કરી છે.

ઇટલીમાં પિતાની મિલકતમાં ૨૭ લાખ રૂપિયાનો હિસ્સો હોવાનું તેમણે જણાવ્યું છે. તદુપરાંત તેમની પાસે ૮૮ કિલો ચાંદી, ૧૨૬૭ ગ્રામ સોનું અને જ્વેલરી છે. કૉન્ગ્રેસનાં નેતા નવી દિલ્હીના ડેરા મંડી વિલેજમાં ત્રણ વીઘા કૃષિ જમીન ધરાવે છે. સોનિયા ગાંધીની આવકમાં સંસદસભ્ય તરીકે પગાર, રૉયલ્ટી અને કૅપિટલ ગેઇન્સનો સમાવેશ છે.

સોનિયા ગાંધી પાસે અંગત વપરાશ માટે કોઈ કાર નથી અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ નથી. તેમણે ૧૯૬૫માં લિનોક્સ કુક સ્કૂલ, કૅમ્બ્રિજમાંથી ઇંગ્લિશમાં  સર્ટીફિકેટ કોર્સ કર્યો હતો. તેમણે આ વખતે રાજ્યસભાની ચૂંટણી માટે રાજસ્થાનમાંથી ઉમેદવારીપત્ર ભર્યું છે.

પ્રિયંકાની તબિયત બગડી, ન્યાયયાત્રામાં નહીં જોડાય

કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીની અચાનક તબિયત બગડી હતી, જેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરી રહેલી કૉન્ગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રિયંકા ગાંધી જોડાઈ શકશે નહીં. પ્રિયંકા ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું છે, ‘હું ભારત જોડો ન્યાય યાત્રાની ઉત્તર પ્રદેશ પહોંચવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ ખરાબ તબિયતને કારણે મારે આજે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. તબિયત સારી થતાં હું આ યાત્રામાં જોડાઈ જઈશ. ત્યાં સુધી હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ પ્રવાસીઓને, મારા સહ-કર્મચારીઓ અને ઉત્તર પ્રદેશના ભાઈઓને શુભેચ્છા પાઠવું છું.’ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શુક્રવારે બિહારથી નૌબતપુર થઈને યુપીના ચંદૌલીમાં પ્રવેશશે ત્યારે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશ પ્રવાસનું સ્વાગત કરવાનાં હતાં.

national news italy sonia gandhi priyanka gandhi congress