02 October, 2024 04:16 PM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયન ઍર ફોર્સના પ્લેનના થયેલા ક્રૅશનાં ૫૬ વર્ષ બાદ સૈનિક થૉમસ ચેરિયન સહિત ચાર મૃતદેહ સોમવારે એક સર્ચ મિશન હેઠળ મળી આવ્યા
હિમાચલ પ્રદેશના રોહતાંગ પાસમાં ઇન્ડિયન ઍર ફોર્સના પ્લેનના થયેલા ક્રૅશનાં ૫૬ વર્ષ બાદ સૈનિક થૉમસ ચેરિયન સહિત ચાર મૃતદેહ સોમવારે એક સર્ચ મિશન હેઠળ મળી આવ્યા હતા. કેરલાના વતની ચેરિયનના પરિવાર માટે એકસાથે ખુશી અને દુઃખની ક્ષણ હતી, કારણ કે ૫૬ વર્ષ બાદ બરફમાં સચવાયેલો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
બે એન્જિન ધરાવતા ઍર ફોર્સના ટર્બોપ્રોપ ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટમાં ૧૦૨ લોકો સવાર હતા અને ૧૯૬૮ની ૭ ફેબ્રુઆરીએ આ વિમાન ચંડીગઢથી લેહ જઈ રહ્યું હતું ત્યારે ગુમ થયું હતું. દાયકાઓ સુધી આ વિમાનનો કાટમાળ અને મૃતદેહો બરફમાં ઢંકાયેલા રહ્યા હતા. ૨૦૦૩થી અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ દ્વારા આ વિમાનની શોધખોળ આદરવામાં આવી હતી અને અનેક સર્ચ મિશન પાર પાડવામાં આવ્યાં હતાં.