28 July, 2024 07:50 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
માછિલ સેક્ટર
જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ગઈ કાલે આતંકવાદીઓ સામેના એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બીજા એક જવાનને ગંભીર ઈજા પહોંચી હતી. આ એન્કાઉન્ટરમાં એક પાકિસ્તાની ઘૂસણખોર પણ ઠાર થયો હતો.
ઇન્ડિયન આર્મીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ખરાબ હવામાન અને પુઅર વિઝિબિલિટીને પગલે લાઇન ઑફ કન્ટ્રોલના માછિલ સેક્ટરમાં કામકારીમાં ફૉર્વર્ડ પોસ્ટ પર બેથી ત્રણ હથિયારધારી ઘૂસણખોરોએ બૉર્ડર ક્રૉસ કરીને આર્મીની પોસ્ટ પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો અને એમાં એક ઘૂસણખોર ઠાર થયો હતો. તેમની પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય સામાન મળી આવ્યો હતો. આ ઑપરેશનમાં બે જવાનોને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને શ્રીનગરની બેઝ હૉસ્પિટલમાં મોકલી દેવાયા હતા. ગંભીર ઈજાને કારણે એક જવાને ઉપચાર વખતે છેલ્લા શ્વાસ લીધા હતા. બીજા જવાન પર ઉપચાર ચાલી રહ્યો છે.
આર્મી આ વિસ્તારમાં ઍન્ટિ-ટેરર ઑપરેશન ચલાવી રહી છે. આર્મીના કહેવા મુજબ આ પાકિસ્તાનની બૉર્ડર ઍક્શન ટીમ (BAT)નું કામ છે. એમાં પાકિસ્તાની સેનાના કમાન્ડો અને આતંકવાદીઓ સામેલ હોય છે. તેઓ લાઇન ઑફ કન્ટ્રોલ પરથી ઘૂસણખોરી કરે છે. ગઈ કાલનો હુમલો ૨૦૨૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન છે. કારગિલ વિજય દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આપેલી ચેતવણીના બીજા જ દિવસે આ હુમલો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયા પહેલાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ઘૂસણખોરો સામે લેવાનારાં પગલાંની સમીક્ષા કરી હતી.