05 February, 2024 09:56 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે શ્રીનગરના લાલ ચોક પર હિમવર્ષા વચ્ચે સેલ્ફી લઈ રહેલી એક મહિલા.
શ્રીનગર (પી.ટી.આઇ.) : કાશ્મીર ખીણમાં હિમવર્ષાને કારણે રવિવારે શ્રીનગર ઍરપોર્ટથી આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શનિવારે મોડી રાત્રે શરૂ થયેલી હિમવર્ષા વહેલી સવારે થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી, જેના કારણે રનવેની મંજૂરી મળી હતી. જોકે કોઈ પણ ફ્લાઇટ ઑપરેટ થાય એ પહેલાં ફરી હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી. ખરાબ હવામાનના કારણે તમામ ફ્લાઇટ્સ એક દિવસ માટે રદ કરવામાં આવી છે.’ મુંબઈમાં ખાનગી કૅરિયર ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ‘ઍરલાઇનની ચાર શ્રીનગરની અને બે લેહ માટેની એમ કુલ છ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. મુસાફરોને ફ્લાઇટ કૅન્સેલેશન વિશે જાણ કરવામાં આવી હતી. આ સાથે તેમને ફુલ રીફન્ડ મેળવવા, વૈકલ્પિક સેક્ટરમાં મુસાફરી કરવા અથવા ફ્લાઇટ રિશેડ્યુલ કરવાના વિકલ્પો આપવામાં આવ્યા હતા.