રાજધાની એક્સપ્રેસમાં અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, પ્રવસીઓમાં ફેલાયો ગભરાટ

09 April, 2023 03:41 PM IST  |  Kavali | Gujarati Mid-day Online Correspondent

ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી નીકળતા ધુમાડાની તપાસ કર્યા બાદ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બ્રેક જામના કારણે ધુમાડો નીકળ્યો હતો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ (Chennai-Delhi Rajdhani Express)માં ધુમાડો નીકળવાના કારણે રવિવારે આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના નેલ્લોર જિલ્લામાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે ટ્રેનના B-5 ડબામાં પૈડાની નજીક ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેને જોઈને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કાળા ધુમાડાના કારણે કાવલી રેલવે સ્ટેશન પાસે લગભગ 20 મિનિટ સુધી ટ્રેન રોકી દેવામાં આવી હતી.

ચેન્નાઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસમાંથી નીકળતા ધુમાડાની તપાસ કર્યા બાદ રેલવે અધિકારીઓએ જણાવ્યું કે બ્રેક જામના કારણે ધુમાડો નીકળ્યો હતો. તેમણે જણાવ્યું કે ટ્રેનનું સમારકામ કર્યા બાદ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

અગાઉ પણ આવી ઘટનાઓ બની છે

આ પહેલા પુણેથી જમ્મુ તાવી વચ્ચે દોડતી જેલમ એક્સપ્રેસ ટ્રેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેના કારણે મુસાફરોએ ચેઈન ખેંચીને ટ્રેન રોકી હતી. રેલવે અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આઉટર પર ટ્રેનને રોકીને ધુમાડાની તપાસ કરવામાં આવી હતી. ટ્રેનના ગાર્ડ અને લોકો પાયલટે કોચનું નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે ધુમાડો નીકળવાનું કારણ ડાયનેમો બેલ્ટની ગરમી હતી. આ પછી ડાયનેમોનો પટ્ટો હટાવીને બીજા કોચ સાથે કનેક્શન આપવામાં આવ્યું અને તમામ બાબતો સામાન્ય થયા બાદ ટ્રેન ચાલુ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: જમ્મુ-શ્રીનગર નૅશનલ હાઇવે પર કિરેન રિજિજુની કારને ટ્રકે ટક્કર મારી

આ સિવાય અજમેરથી બાંદરા જતી અજમેર-બાંદ્રા ટ્રેનમાં પણ બ્રેક લોક જામના કારણે આગ લાગી હતી, જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રેલવે કર્મચારીઓએ મુસાફરોને બહાર કાઢીને આગ કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના કિશનગઢ રેલવે સ્ટેશન પર બની હતી, જ્યાં લગભગ અડધા કલાક સુધી રિપેરિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

national news indian railways andhra pradesh