15 September, 2024 05:33 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના જૈન સમુદાયે કરેલી વિનંતીના પગલે યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લઈને ૧૭ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીએ રાજ્યમાં તમામ કતલખાનાં અને માંસ-મટન વેચતી દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જૈન સમાજે પ્રશાસનને વિનંતી કરી હતી કે એ દિવસે જૈન ભાવિકો માટે મોટું દશલક્ષણ પર્વ છે અને એ દિવસે રાજ્યમાં તમામ કતલખાનાં અને માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવામાં આવે.
જૈન ભાવિકોની વિનંતીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તથા આ નિર્ણયનું અસરકારક રીતે આખા રાજ્યમાં પાલન થાય એ માટે તમામ સંબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
નગર વિકાસ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ જૈન ધર્મના અનુયાયીઓનું સર્વોચ્ચ પર્વ દશલક્ષણ છે જેની શરૂઆત ૮ સપ્ટેમ્બરથી થઈ હતી અને એનું સમાપન અનંત ચતુર્દશીએ ૧૭ સપ્ટેમ્બરે થશે. ઉત્તર પ્રદેશમાં રહેતા લાખો જૈન લોકો માટે આ એક પ્રમુખ પર્વ છે જેને લાખો જૈન ભાવિકો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક મનાવે છે.