સીતારામ યેચુરીના અંતિમ સંસ્કારને બદલે પરિવારજનોએ એઇમ્સને મૃતદેહ ડોનેટ કર્યો

13 September, 2024 08:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

CPI-Mના વરિષ્ઠ નેતાનું ટૂંકી માંદગી બાદ ન્યુમોનિયાને લીધે અવસાન

સીતારામ યેચુરી

કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M)ના વરિષ્ઠ નેતા અને જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીનું ગઈ કાલે ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. છેલ્લા થોડા સમયથી તેઓ દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS-એઇમ્સ)માં ન્યુમોનિયાની સારવાર લઈ રહ્યા હતા, પણ તબિયત વધુ બગડતાં ગુરુવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ૭૨ વર્ષના સીતારામ યેચુરી ત્રણ દાયકા સુધી CPI-Mના તમામ મહત્ત્વના નિર્ણય લેનારા પૉલિટ બ્યુરોના મેમ્બર રહ્યા હતા. તેઓ ૨૦૦૫થી ૨૦૧૭ સુધી રાજ્યસભામાં પણ હતા. દરેક પાર્ટીના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  

યેચુરી પરિવારે તેમના મૃતદેહને એઇમ્સમાં ભણતા સ્ટુડન્ટ્સને શિક્ષણ અને રિસર્ચ માટે ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. બે દિવસ બાદ તેમના મૃતદેહને દિલ્હીમાં આવેલા CPI-Mના હેડક્વૉર્ટર એકેજી ભવનમાં દર્શન માટે રાખવામાં આવશે. ત્યાર બાદ મૃતદેહને પાછો એઇમ્સમાં લઈ અવાશે.

સીતારામ યેચુરીનાં પત્ની સીમા ચિસ્તી જાણીતાં પત્રકાર છે. તેમના ૩૪ વર્ષના પુત્ર દાનિશનું ૨૦૨૧માં કોરોનામાં મૃત્યુ થયું હતું. તેમને અખિલા નામની પુત્રી પણ છે.

all india institute of medical sciences communist party of india political news national news