ડ્રિલિંગ મશીન કામ કરશે તો બેથી અઢી દિવસમાં જ વર્કર્સને બચાવાશે

20 November, 2023 11:40 AM IST  |  Uttarkashi | Gujarati Mid-day Correspondent

નીતિન ગડકરીએ રેસ્ક્યુ ઑપરેશનની સમીક્ષા કર્યા બાદ આ જાણકારી આપી

ઉત્તરકાશી જિલ્લામાં ગઈ કાલે બ્રહ્મખાલ-યમુનોત્રી નૅશનલ હાઇવે પર સિલ્ક્યારા અને ડંડાલગાંવ વચ્ચેની અન્ડરકન્સ્ટ્રક્શન ટનલના ધરાશાયી થયેલા ભાગ ખાતે ચાલી રહેલા રેસ્ક્યુ ઑપરેશનની સમીક્ષા કરી રહેલા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી (તસવીર : પી.ટી.આઇ.)

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલના ધરાશાયી થયેલા ભાગમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઑપરેશનની ગઈ કાલે સમીક્ષા કરી હતી. ઉત્તર કાશી અને યમુનોત્રીને જોડતી અન્ડરકન્સ્ટ્રક્શન ટનલનો એક ભાગ ધરાશાયી થતાં ૪૧ વર્કર્સ ફસાયા હતા. ગડકરીએ કહ્યું હતું કે ‘વર્કર્સને બચાવવા માટે જે કંઈ પણ જરૂરી હોય એ કરવામાં આવશે તેમ જ વર્કર્સ અને તેમના ફૅમિલી મેમ્બર્સની હિંમત જાળવી રાખવાની જવાબદારી સૌની હોવી જોઈએ.’

આ ટનલ કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ચારધામ પ્રોજેક્ટનો એક ભાગ છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાનની સાથે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પણ હતા. ગડકરીએ કહ્યું હતું કે ‘હિમાલય પ્રદેશમાં જમીનનું બંધારણ એકસરખું ન હોવાથી રેસ્ક્યુ ઑપરેશન પડકારજનક છે. કોઈ જગ્યાએ જમીન પોચી છે તો ક્યાંક સખત, જેના લીધે મેકૅનિકલ ઑપરેશન પાર પાડવું મુશ્કેલ છે.’

ગડકરીએ સિલ્ક્યારામાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘અમેરિકન ડ્રિલિંગ મશીન પોચી જમીન પર ડ્રિલિંગ કરવાનું આવે ત્યારે બરાબર કામ કરતું હતું. જોકે કોઈ સખત અડચણ આવતાં એનાથી કામ પાર પાડવામાં મુશ્કેલી થઈ, જેના પગલે સેફ્ટીનાં કારણોસર એને બંધ કરવામાં આવ્યું હતું. જો આ મશીન યોગ્ય રીતે કામ કરશે તો અમે આગામી બેથી અઢી દિવસમાં જ ફસાયેલા વર્કર્સ સુધી પહોંચી જઈશું.’

uttarakhand nitin gadkari national news