16 September, 2024 08:32 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, સિખ નેતા રવનીત સિંહ બિટ્ટુ
લોકસભાની ચૂંટણી પહેલાં કૉન્ગ્રેસ છોડીને BJPમાં જોડાઈ ગયેલા અને હાલ કેન્દ્રીય પ્રધાન એવા સિખ નેતા રવનીત સિંહ બિટ્ટુએ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન ટેરરિસ્ટ કહ્યા છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં સિખવિરોધી જે નિવેદનો આપ્યાં છે એ મુદ્દે બોલતાં રવનીત સિંહે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી ભારતીય નથી, તેઓ દેશના નંબર-વન દુશ્મન છે અને પાંચ વાર સંસદમાં ચૂંટાઈ આવ્યા બાદ પણ તેમને દેશના લોકોની સમસ્યાઓની જાણ નથી.’
પત્રકારો સાથેની વાતચીતમાં રવનીત સિંહે કહ્યું હતું કે ‘અગાઉ રાહુલ ગાંધી મુસ્લિમોની વાત કરતા હતા, પણ એમાં તેમને સફળતા મળી નહીં એટલે હવે તેઓ સિખ સમુદાયને વિભાજિત કરવા માગે છે. રાહુલ ગાંધી જે નિવેદનો આપે છે એવાં નિવેદનો પહેલાં દેશના મોસ્ટ વૉન્ટેડ લોકો આપતા હતા. જેઓ આતંકવાદી છે એવા લોકોએ પણ રાહુલ ગાંધીની ટિપ્પણીની પ્રશંસા કરી છે. જ્યારે આવા લોકો તેમનો સપોર્ટ કરે છે ત્યારે તેઓ દેશના નંબર-વન દુશ્મન બની જાય છે. જો કોઈને પકડવા માટે ઇનામની જાહેરાત કરવાની હોય તો તે નામ રાહુલ ગાંધીનું છે. વળી મારી નજરે રાહુલ ગાંધી ભારતીય નથી. તેઓ મોટા ભાગનો સમય વિદેશમાં વિતાવે છે. તેમના મિત્રો અને પરિવાર વિદેશમાં રહે છે. એવું લાગે છે કે તેઓ ભારતને પ્રેમ કરતા નથી એટલે વિદેશોમાં જઈને ભારતની બદનામી કરે છે.’