બીબીસીની વિરુદ્ધ મહત્ત્વના પુરાવા મળ્યા

18 February, 2023 11:31 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રણ દિવસ સુધી ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે ઑપરેશન બાદ એક સ્ટેટમેન્ટમાં ટૅક્સ ડિપાર્ટમેન્ટે આવો દાવો કર્યો છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

નવી દિલ્હી ઃ મુંબઈ અને દિલ્હીમાં બીબીસીની ઑફિસોમાં ત્રણ દિવસ સુધી ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટના સર્વે ઑપરેશનમાં બહાર આવ્યું છે કે આ ગ્રુપની જુદી-જુદી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ઇન્કમ/પ્રૉફિટ એ ભારતમાં એના કામકાજના વ્યાપને અનુરૂપ નથી. ટૅક્સ ડિપાર્ટમેન્ટે ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં આ વાત જણાવી હતી. 
એક સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘આ સર્વે દરમ્યાન ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ ગ્રુપની કામગીરી સંબંધિત અનેક પુરાવા એક​ત્ર કર્યા છે, જેનાથી ખ્યાલ આવે છે કે ટ્રાન્સફર કરવામાં આવેલી ચોક્કસ રકમ પર ટૅક્સ ચૂકવવામાં આવ્યો નથી, જેને વિદેશી મૂળના આ ગ્રુપ દ્વારા ભારતમાં ઇન્કમ તરીકે જાહેર કરવામાં આવ્યો નથી.’
આ ડિપાર્ટમેન્ટે બીબીસીનું નામ નહોતું લીધું. આ સ્ટેટમેન્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે ‘સર્વે ઑપરેશન્સમાં એવી પણ જાણકારી મળી છે કે ટેમ્પરરી એમ્પ્લૉઇઝની સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના માટે ઇન્ડિયન યુનિટ દ્વારા ફૉરેન યુનિટને રીઇમ્બર્સમેન્ટ આપવામાં આવ્યું છે. ટ્રાન્સફરની આ રકમ માટે ટૅક્સ ચૂકવવાનો હોય છે, જે ચૂકવવામાં આવ્યો નથી. ઉપરાંત આ સર્વેમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ ડૉક્યુમેન્ટેશનમાં અનેક વિસંગતતા જોવા મળી છે.’
ટૅક્સ ડિપાર્ટમેન્ટે વધુ જણાવ્યું હતું કે ‘આ સર્વે ઑપરેશનથી એમ્પ્લૉઇઝનાં સ્ટેટમેન્ટ્સ, ડિજિટલ પુરાવા અને ડૉક્યુમેન્ટ્સ સ્વરૂપે મહત્ત્વના પુરાવા મળ્યા છે, જેની વધુ ચકાસણી કરવામાં આવશે. મુખ્યત્વે ફાઇનૅન્સ, કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને પ્રોડક્શનને સંબંધિત કામગીરીમાં મહત્ત્વની જવાબદારી નિભાવતા કર્મચારીઓનાં જ સ્ટેટમેન્ટ્સ રેકૉર્ડ કરવામાં આવ્યાં છે.’
દિલ્હીમાં કેજી માર્ગ અને મુંબઈમાં સાંતાક્રુઝમાં બીબીસીની ઑફિસોમાં ૧૪ ફેબ્રુઆરીએ સર્વે ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેનો લગભગ ૬૦ કલાક બાદ ગુરુવારે રાતે અંત આવ્યો હતો. 
આઇટી સર્વે ઑપરેશનના ટાઇમિંગને લઈને સવાલો કરવામાં આવી રહ્યા છે, કેમ કે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોને સંબંધિત બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટરીને થોડા સમય પહેલાં જ રિલીઝ કરવામાં આવી હતી.

national news mumbai new delhi