ત્રણ ધામનાં કપાટ ખૂલ્યા બાદ ગઈ કાલે બદરીનાથનાં પણ કપાટ ખૂલી ગયાં

13 May, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર કાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરગઢમાં કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.

ગઈ કાલે બદરીનાથ મં​િદરનાં કપાટ ખૂલ્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઊમટી પડ્યા હતા.

ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય વિસ્તારમાં આવેલા બદરીનાથ મંદિરનાં કપાટ ગઈ કાલે સવારે ખોલવાની સાથે જ ચારેય ધામની યાત્રાનો વિધિવત્ આરંભ થયો હતો. શુક્રવારે યમુનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ધામમાં યાત્રા શરૂ થઈ હતી. બદરીનાથ મંદિરનાં કપાટ ખોલતાં પહેલાં મંદિરને ૧૫ ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. જય બદરી વિશાલના નારા સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પૂજા કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં ઢોલ-નગારાંના તાલે ભાવિકોનો ઉત્સાહ સમાતો નહોતો. સવારે ચાર વાગ્યાથી મંદિરનાં કપાટ ખોલવાની વિધિનો આરંભ થયો હતો અને ૬ વાગ્યે મંદિરનાં કપાટ ખોલી દેવામાં આવ્યાં હતાં. થોડો વરસાદ પણ વરસી રહ્યો હતો, પણ એનાથી ભાવિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહોતો. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ભાવિકોનું અભિવાદન કર્યું હતું. શનિવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં આશરે ૭,૩૭,૮૮૫ લોકોએ બદરીનાથ મંદિરમાં દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે ૧૮,૩૯,૫૯૧ ભાવિકોએ બદરીનાથ મંદિરનાં દર્શન કર્યાં હતાં.

ઉત્તરાખંડના પાંચ ​​જિલ્લા માટે ઑરેન્જ અલર્ટ ઇશ્યુ કરવામાં આવી
દેહરાદૂનના વેધર ડિપાર્ટમેન્ટે ઉત્તરાખંડના પાંચ જિલ્લા માટે ગઈ કાલથી ઑરેન્જ અલર્ટ ઇશ્યુ કરીને ગાજવીજ સાથે વરસાદની અને દૂરના વિસ્તારોમાં કરા પડવાની ચેતવણી ઉચ્ચારી છે. 
ઉત્તર કાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરગઢમાં કલાકના ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અન્ય ​જિલ્લાઓ માટે યલો અલર્ટ પણ ઇશ્યુ કરવામાં આવી છે.

national news badrinath kedarnath uttarakhand