ગઈ કાલે આપણે ત્યાં પહેલો શ્રાવણિયો સોમવાર હતો, પરંતુ ઉત્તર ભારતમાં કેમ ત્રીજો સોમવાર હતો?

06 August, 2024 03:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ભક્તિ અત્યારે ચરમ પર છે, જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજી ગઈ કાલે જ શ્રાવણ મહિનો બેઠો છે. આવું કેમ?

સોમનાથન મહાદેવ

ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની ભક્તિ અત્યારે ચરમ પર છે, જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હજી ગઈ કાલે જ શ્રાવણ મહિનો બેઠો છે. આવું કેમ?

દરેક હિન્દુઓ માટે એક જ કૅલેન્ડર છે અને અને શ્રાવણ મહિનો એ હિન્દુ કૅલેન્ડરનો પાંચમો મહિનો છે. જોકે ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત કૅલેન્ડર વપરાય છે અને ગુજરાત-મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં અમાંત કૅલેન્ડર વપરાય છે. પૂર્ણિમાંત કૅલેન્ડરમાં પૂર્ણિમા પર મહિનો પૂરો થાય છે અને પૂર્ણિમા પછીના બીજા દિવસે ચંદ્રની ઊતરતી કળાએ નવો મહિનો બેસે છે. જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં અમાસે મહિનો પૂરો થાય છે અને અમાસ પછીની એકમથી નવો મહિનો શરૂ થાય છે. આ જ કારણસર ઉત્તર ભારતના દરેક હિન્દુ મહિના પંદર દિવસ પહેલાં શરૂ થઈ જાય છે.

ઉત્તર ભારતમાં શ્રાવણમાં શિવજીના ધામમાં ભક્તોની ભીડ

ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલા બાબા બૈદ્યનાથ ધામમાં પણ ભક્તોએ કલાકો સુધી લાઇન લગાવીને દર્શન કર્યાં હતાં. પ્રાંગણમાં પણ જબ્બર ચક્કાજામ થઈ જાય એટલી ભીડ હતી.  

વારાણસીમાં ગઈ કાલે ત્રીજા શ્રાવણિયા સોમવારે કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની લાંબી લાઇન લાગી ગઈ હતી અને કલાકો સુધી રાહ જોઈને તેમણે દર્શન કર્યાં હતાં. 

મહાકાલની નગરીમાં ૧૫૦૦ ડમરુવાદકોએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

શ્રાવણિયા સોમવાર નિમિત્તે ગઈ કાલે ભોલેનાથની નગરીમાં ડમરુવાદકો શેરીમાં ઊતરી આવ્યા હતા. મહાકાલ લોકના શક્તિપથ પર ૧૫૦૦ ડમરુવાદકોની સંગીતમય રજૂઆતથી આખું ઉજ્જૈન ગુંજી ઊઠ્યું હતું. એકસાથે ૧૫૦૦ ડમરુ વગાડવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ બન્યો હતો. આ પહેલાં ન્યુ યૉર્કમાં ફૅડરેશન ઑફ ઇન્ડિયન અસાસિએશન ન્યુ યૉર્કે ૪૮૮ ડમરુ વગાડવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ વખતે ડમરુવાદકોએ ૨૫ અલગ-અલગ ગ્રુપ્સમાં મહાકાલની સ્તુતિ કરી હતી અને મહાકાલની ભસ્મ આરતીની ધૂન પર ડમરુ વગાડ્યાં હતાં.

પચાસ હજારથી વધુ શિવભક્તોએ સોમનાથના શરણે  શીશ નમાવ્યું

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં ૬૮ ધ્વજપૂજા થઈ, પાલખી યાત્રા યોજાઈ

દેવાધિદેવ મહાદેવજી ભોળા શંભુની ભક્તિ, આરાધનાનો શ્રાવણ મહિનો ગઈ કાલે સોમવારથી શરૂ થતાં ભક્તોમાં અનેરો ઉલ્લાસ છવાઈ ગયો હતો. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે શ્રાવણ માસની શરૂઆતમાં શિવભક્તોનું જાણે કે ઘોડાપૂર ઊમટ્યું હોય એમ સાંજે ૬ વાગ્યા સુધીમાં ભક્તિભાવ, આસ્થા અને શ્રદ્ધાપૂર્વક પચાસ હજારથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા. આધ્યાત્મિકતાના માહોલ વચ્ચે ભ​ક્તિભાવથી હર હર મહાદેવ અને જય સોમનાથના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમારે સૌપ્રથમ ધ્વજપૂજા અને પાલખીપૂજા કરીને સોમનાથ મંદિરમાં શ્રાવણ-ઉત્સવનો રંગેચંગે પ્રારંભ કરાવ્યો હતો અને આનંદઉલ્લાસના વાતાવરણમાં પાલખીયાત્રા યોજાઈ હતી. શ્રાવણના પહેલા જ દિવસે વિક્રમજનક ૬૮ ધ્વજાપૂજા થઈ હતી. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને પહેલા સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ત્રણ જન્મના પાપ હરનાર બિલ્વપત્ર સોમનાથ મહાદેવને અર્પણ કરીને જનકલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી.  

shravan shiva national news life masala