29 November, 2022 10:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પૂનમ, મરનાર અંજન દાસ અને દીપક
નવી દિલ્હી : શ્રદ્ધા વાલકર ક્રૂર હત્યાકાંડે લોકોના માનસ પર ઊંડે સુધી અસર જગાવી છે ત્યારે દિલ્હી-પૂર્વમાં આ હત્યાકાંડ જેવા જ કેસને પોલીસે સૉલ્વ કર્યો છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાની ધરપકડ કરી હતી, જેના પર પોતાના પહેલાંના મૅરેજથી થયેલા દીકરાની મદદથી પોતાના પતિની હત્યાનો આરોપ છે. શ્રદ્ધા વાલકર મર્ડરકેસની સાથે ધ્યાન ખેંચે એવી સમાનતા એ છે કે આ કેસમાં મૃતદેહના ૧૦ ટુકડા કરીને ફ્રિજમાં એને સ્ટૉર કરવામાં આવ્યા હતા. એ પછી અનેક દિવસ સુધી પૂર્વ દિલ્હીના પાંડવ નગરમાં એને ફેંકવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ મહિલા અને તેના પુત્રે આ ક્રૂર અપરાધ કર્યો હોવાનો સ્વીકાર કર્યો છે. આ મહિલાનું નામ પૂનમ છે. તેના પતિ અંજન દાસે તેની જ્વેલરી વેચીને પોતાની પહેલી વાઇફને રૂપિયા મોકલ્યા હોવાથી પૂનમ રોષે ભરાઈ હતી. અંજનની પહેલી પત્ની તેમનાં આઠ બાળકોની સાથે બિહારમાં રહે છે.
એ પછી પૂનમે આ પહેલાંના તેનાં મૅરેજથી થયેલા દીકરા દીપકની સાથે મળીને મર્ડરનું કાવતરું રચ્યું હતું. દીપકે પોલીસને જણાવ્યું હતું કે દાસ તેની પત્નીને પરેશાન કરતો હોવાના કારણે તે આ કાવતરામાં સામેલ થયો હતો.
પૂનમને પણ શંકા હતી કે તેના દીકરા દીપકની પત્ની અને તેની એક ડિવૉર્સી દીકરી પર પણ અંજનની ખરાબ નજર હતી. એ દીકરી પૂનમની સાથે રહેતી હતી. આ વાસનાની સજા તેમણે આપી હતી.
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેમણે જૂનમાં દાસની હત્યા કરી હતી. તેમણે સૌપ્રથમ દારૂમાં ઊંઘની દવા ભેળવી દીધી હતી. એક વખત તે બેભાન થઈ ગયો એ પછી તેમણે તેની હત્યા કરી હતી. એ પછી તેમણે બન્નેએ આ મૃતદેહના ટુકડા કર્યા હતા અને એનો નિકાલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેમને અત્યાર સુધીમાં મૃતદેહના ૬ ટુકડા મળ્યા છે.
દાસ બેભાન થઈ ગયા બાદ તેને મારી નાખવા માટે પૂનમ અને તેના દીકરાએ છરો અને કટારીનો ઉપયોગ કર્યો હતો. તેમણે તેનું ગળું કાપી નાખ્યું હતું અને મૃતદેહના ટુકડા કરતાં પહેલાં તેના શરીરમાં લોહી ન રહે ત્યાં સુધી રાહ જોઈ હતી.
પૂનમ અને દીપક રોજ રાત્રે મૃતદેહના ટુકડા બૅગમાં ભરીને પાંડવ નગર અને એની આસપાસના વિસ્તારોમાં ફેંકવા જતા હતા. ૮થી ૧૦ દિવસ સુધી એમ ચાલ્યું હતું.
પોલીસ અનુસાર પૂનમ જ્યારે ૧૪ વર્ષની હતી ત્યારે તેના સુખદેવ તિવારી નામના એક માણસની સાથે મૅરેજ થયાં હતાં. સુખદેવ તેને તરછોડીને દિલ્હી આવી ગયો હતો. પૂનમ પણ તેના પતિની શોધમાં દિલ્હીમાં આવી પહોંચી હતી. અહીં તે કલ્લુ નામના માણસને મળી હતી, જેની સાથે તે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. એ પછી તે દાસના પ્રેમમાં પડી હતી. ૨૦૧૬માં કલ્લુનું લિવર ફેલ્યરના કારણે મોત નીપજતાં તેણે એના પછીના વર્ષે દાસ સાથે મૅરેજ કર્યાં હતાં. જોકે મૅરેજ સમયે તેને ખબર નહોતી કે દાસનો પરિવાર બિહારમાં છે.
વાસ્તવમાં અપરાધની મોડસ ઑપરૅન્ડી બિલકુલ અત્યારના ચર્ચાસ્પદ કેસ જેવી જ છે, જેમાં ૨૮ વર્ષના આફતાબ પૂનાવાલાએ તેની લિવ-ઇન-પાર્ટનર શ્રદ્ધા વાલકરનું ગળું દબાવ્યું, તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યા અને એ પછી દક્ષિણ દિલ્હીના મહરૌલી વન વિસ્તારમાં એ ફેંક્યા હતા.
ઘરે-ઘરે જઈને વેરિફિકેશન કરી પોલીસે મરનારની ઓળખ કરી
પોલીસે જણાવ્યું હતું કે મૃતદેહના કેટલાક ભાગ પૂર્વ દિલ્હીના કલ્યાણપુરીમાં પાંચમી જૂને રામલીલા ગ્રાઉન્ડમાં એક બૅગની અંદરથી મળ્યા હતા, જેના પછીના કેટલાક દિવસોમાં મૃતદેહના પગ, થાઇઝ, ખોપરી તેમ જ કોણી અને કાંડા વચ્ચેનો ભાગ મળ્યો હતો. હવે પોલીસ મૃતદેહના ભાગોની સાથે મૅચ કરવા માટે દાસના પરિવારજનોનાં ડીએનએ સૅમ્પલ્સ કલેક્ટ કરવા માટે એક ટીમને બિહાર મોકલશે.
જૂન મહિનામાં મૃતદેહના ટુકડા મળ્યા બાદ પોલીસે એ એરિયાનાં સીસીટીવી ફુટેજનું ઍનૅલિસિસ કર્યું હતું અને ઘરે-ઘરે જઈને વેરિફિકેશન કર્યું હતું. બાદમાં એ મૃતદેહની દાસ તરીકે ઓળખ કરવામાં આવી હતી, જેના પછી પોલીસ પૂનમ અને દીપક સુધી પહોંચી હતી.
આ બન્નેએ દાસના મિસિંગની પોલીસ ફરિયાદ નહોતી લખાવી અને પૂછપરછમાં તેમનાં સ્ટેટમેન્ટ્સમાં પણ વિસંગતતા જોવા મળ્યા બાદ પોલીસને તેમના પર શંકા ગઈ હતી.