09 December, 2022 12:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case)ના મુખ્ય આરોપી આફતાબની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. મહેરૌલી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ રૂમમાં હાજર હતા. તેમના વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસની તપાસ ચાલી રહી છે અને આરોપીની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવે.
આ પછી સાકેત કોર્ટે આરોપી આફતાબની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. અગાઉ, આફતાબ 13 દિવસ માટે તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતો, જ્યાંથી તેને પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ હજુ પણ આ કેસમાં ડીએનએ અને એફએસએલના તમામ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
વીડિયો કોન્ફરન્સિંગ કેમ થયું?
ઈન્ડિયા ટીવીના અહેવાલ મુજબ અધિકારીઓએ કહ્યું કે “પહેલાં આફતાબને કોર્ટમાં રજૂ કરવાનો હતો, પરંતુ સુરક્ષાના કારણોસર નિર્ણય બદલવામાં આવ્યો હતો. 28 નવેમ્બરે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ રોહિણીના FSLમાં કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ ટીમ તેની સાથે પરત ફરી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ વાન પર હુમલો કર્યો હતો. આફતાબની સાથે પોલીસ વાનમાં 5 પોલીસકર્મીઓ હતા.
આ પણ વાંચો: Sonia Gandhi Birthday: રાજસ્થાનમાં પરિવાર સાથે ઉજવણી, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા
ઉલ્લેખનીય છે કે, 28 વર્ષીય આફતાબ પર મે મહિનામાં દિલ્હીના મહેરૌલી સ્થિત એક એપાર્ટમેન્ટમાં શ્રદ્ધા વાલકરની હત્યા કરવાનો આરોપ છે. હત્યા કર્યા બાદ તેણે શ્રદ્ધાના 35 ટુકડા કરી દીધા હતા અને તેને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફેંકી દીધા હતા. આફતાબના વકીલનું કહેવું છે કે તેણે કોર્ટમાં ગુનો કબૂલ કર્યો નથી. નાર્કો-એનાલિસિસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પણ આફતાબનું વર્તન શાંત હતું.