15 January, 2024 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના સાંસદ શશી થરૂર
નવી દિલ્હી: કૉન્ગ્રેસના સાંસદ શશી થરૂરે આગાહી કરી છે કે આગામી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં શાસક ભારતીય જનતા પાર્ટી એકલી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવશે. જોકે એની બેઠકો નોંધપાત્ર પ્રમાણમાં ઘટે એવો વ્યૂહ અપનાવી અને એના એનડીએ સાથીઓનો બીજેપીમાં વિશ્વાસ ઘટે એવા પ્રયાસો કરી કેન્દ્રમાં એનડીએ સરકાર બનતી રોકી શકાય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.
બીજેપીની આગેવાની હેઠળ એનડીએએ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ૩૦૩ બેઠક જીતી હતી. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં આ જોડાણ જાદુઈ ૪૦૦નો માર્ક પાર કરવાનું લક્ષ્ય રાખે છે. કૉન્ગ્રેસ અને અન્ય ૨૭ વિરોધી પક્ષોએ બીજેપીની આ મહત્ત્વાકાંક્ષાને પડકારવા માટે ઇન્ડિયા-જોડાણ બનાવ્યું છે. કેરલા સાહિત્ય મહોત્સવમાં બોલતાં થરૂરે વધુમાં જણાવ્યું હતું કે સરકારની રચના માટે જરૂરી તેમના સંભવિત સાથીઓ એનડીએનો સાથ છોડી અમારી સાથે જોડાવા તૈયાર થાય એવો વ્યૂહ અજમાવવો પડશે. એ માટે ઇન્ડિયા બ્લૉકે મોટા ભાગનાં રાજ્યોમાં બેઠકોની વહેંચણીના કરાર સુનિશ્ચિત કરવા જોઈશે. જોકે વિવિધ રાજ્યોમાં આ બ્લૉકના સભ્ય-પક્ષોનો એકબીજા સામે કેવો મોરચો મંડાયેલો છે એનું તાદૃશ્ય વર્ણન કરી થરૂરે બેઠકોની વહેંચણીને નિર્ણાયક પરિબળ ગણાવ્યું હતું.