midday

કૉંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે બીજા વિકલ્પો છે: શશિ થરૂરે પાર્ટીને આપ્યો ઠપકો?

24 February, 2025 07:03 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Shashi Tharoor on Congress: તાજેતરમાં શશિ થરૂરે એક પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પક્ષ બદલવા બાબતે પણ ખુલાસો કર્યો હતો. શશિ થરૂરે પક્ષ બદલવાની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે મતભેદો હોવા છતાં, તેઓ એવું નથી માનતા.
શશિ થરૂર (ફાઇલ તસવીર)

શશિ થરૂર (ફાઇલ તસવીર)

કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના વખાણ કરીને તેમની જ પાર્ટીમાં વિવાદ ઉભો કર્યો છે. શશિ થરૂર પર પાર્ટી લાઇનથી ભટકતા નિવેદનો આપવાનો આરોપ તેમના જ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ આરોપોના જવાબમાં થરૂરે કહ્યું કે તેઓ કૉંગ્રેસ સાથે છે, પણ આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો પાર્ટી તેમને કોઈ કામ નહીં આપે તો તેમના માટે અન્ય વિકલ્પો પણ ખુલ્લા છે.

જોકે, તાજેતરમાં શશિ થરૂરે એક પોડકાસ્ટમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે પક્ષ બદલવા બાબતે પણ ખુલાસો કર્યો હતો. શશિ થરૂરે પક્ષ બદલવાની અફવાઓને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે મતભેદો હોવા છતાં, તેઓ એવું નથી માનતા. થરૂરના આ નિવેદનો એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમણે અગાઉ કેરળ સરકારની નીતિઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત માટે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. જોકે કૉંગ્રેસને શશિ થરૂરની આ વાતો ગમતી નહોતી.

આ બાબતે કહેતા તેમણે જણાવ્યું કે “હું પાર્ટી માટે ઉપલબ્ધ છું, પરંતુ જો પાર્ટીને મારી સેવાઓની જરૂર ન હોય તો મારી પાસે અન્ય વિકલ્પો પણ ઉપસ્થિત છે. થરૂરે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં આ વિવાદનો જવાબ આપ્યો. જ્યારે શશિ થરૂરને તેમના પક્ષના વિરોધીઓની પ્રશંસા કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ રાજકારણીની જેમ વિચારતા નથી અને તેમના વિચારો એટલા સંકુચિત નથી. તેમણે કેરળમાં નવા મતદારોને આકર્ષવા માટે કૉંગ્રેસને પોતાનો આધાર વધારવા હાકલ કરી. તેમણે પક્ષના રાજ્ય એકમમાં નેતાની ગેરહાજરીનો મુદ્દો પણ ઉઠાવ્યો.

થરૂરે કૉંગ્રેસને શું ચેતવણી આપી?

૬૭ વર્ષીય કૉંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે કૉંગ્રેસના અન્ય નેતાઓ તેમના મતને સમર્થન આપે છે કે પાર્ટીના કેરળ એકમ પાસે કોઈ નેતા નથી. તેમણે સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલનો ઉલ્લેખ કર્યો જેમાં તેમને રાજ્યમાં નેતૃત્વની દ્રષ્ટિએ અન્ય લોકો કરતા આગળ દર્શાવવામાં આવ્યા હતા. તિરુવનંતપુરમથી ચાર વખત સાંસદ રહેલા આ સાંસદે ચેતવણી આપી હતી કે જો કૉંગ્રેસ પોતાનું આકર્ષણ નહીં વધારે તો તે કેરળમાં સતત ત્રીજી વખત વિપક્ષમાં બેસશે. કારણ કે આવતા વર્ષે ત્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે શશિ થરૂરનું આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ચૂંટણીઓમાં સતત પરાજય બાદ કૉંગ્રેસ, નેશનલ કૉંગ્રેસ પાર્ટી શરદ પવાર, આમ આદમી પાર્ટી અને શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જેવા વિપક્ષના અનેક મોટા નેતાઓ પક્ષ છોડીને ભારતીય જાણતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ અને શિવસેના એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ રહ્યા છે. જેથી શું હવે શશિ થરૂર પણ પક્ષ બદલો કરશે તેવો અટકળો શરૂ થયો છે.

shashi tharoor congress narendra modi political news indian politics national news