09 November, 2024 09:13 AM IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ એક્સ
પશ્ચિમ બંગાળમાંથી એક ભયાવહ રેલ દુર્ઘટના સામે આવી છે. નાલપુરમાં સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસને આ અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. આજે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ નાલપુરમાં ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસને આ અકસ્માત નડ્યો છે. આ એકપ્રેસના ત્રણ ડબ્બાઓ રેલપાટા પરથી નીચે ઊતરી જતાં અફરાતફરી (Shalimar Express Derail) મચી ગઈ છે.
કોઈ જાનહાનિ થઈ નથી- સામાન્ય ઇજાઓ
તમને જણાવી દઈએ કે રેલના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી (Shalimar Express Derail) ગયાં હોઈ આમાં વધારે કોઈ નુકસાન થયું નથી. સદનસીબે કોઈ જ જાનહાનિ પણ થઈ નથી. જે રાહતના સમાચાર છે. માંત્ર મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.
સ્પીડ તો સ્લો હતી તો કઈ રીતે આ દુર્ઘટના બની?
Shalimar Express Derail: પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો જણાવે છે કે એક્સપ્રેસ ટ્રેન સામાન્ય સ્પીડ કરતાં ખૂબ જ સ્લો ચાલી રહી હતી. પરંતુ અચાનક જોરદાર એક આંચકો અનુભવાયો. અમારી સીટ પર અમે જે સમાન મૂક્યો હતો તે પણ નીચે પડી ગયો હતો. આ આંચકા બાદ તરત જ ડ્રાઈવરે ટ્રેન રોકી દીધી હતી. અમે ટ્રેનમાંથી નીચે ઉતરીને જોઈએ છીએ તો ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયાં હોવાનું જણાઈ આવ્યું.
માહિતી મળતાં જ પહોંચ્યા રેલ અધિકારીઓ- તમામ મુસાફરો સુરક્ષિત
આ દુર્ઘટના (Shalimar Express Derail)ની જાણ થતાંની સાથે જ હાજર રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા દુર્ઘટના સ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને કૉચમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર કેટલાક લોકોને સામન્ય ઇજા થઈ છે. રેલ્વેના જણાવ્યા અનુસાર અત્યારે તો આ દુર્ઘટનાને કારણે કોઈ મોટું નુકસાન થયું હોય કે પછી કોઈ જાનહાનિ થઈ હોય એવું જણાતું નથી. માત્ર એક કે બે મુસાફરોને સામાન્ય કહી શકાય એવી ઈજાઓ થઈ છે.
જોકે, આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે બાબતે હજી સુધી જાણી શકાયું નથી. વધુ તપાસ બાદ જ આ માહિતી સામે આવશે. ઈસ્ટર્ન રેલ્વે પાસેથી મળતી માહિતી અનુસાર સંત્રાગાચી અને ખડગપુરથી કેટલીક તબીબી રાહત ટ્રેનો લોકોને બચાવવા માટે તેમ જ પાટા પરથી ઉતરી ગયેલા કોચને ફરીથી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા માટે મોકલી દેવામાં આવી છે. અત્યારે તમામ ફસાયેલા મુસાફરો કે જે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા તેઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે બસોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.