પ્રજ્વલ રેવન્નાને ૬ દિવસની SIT કસ્ટડી, જર્મનીથી આવતાં જ ઍરપોર્ટ પર ધરપકડ

01 June, 2024 07:19 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૬ દિવસની SITની કસ્ટડીમાં મોકલી દીધો હતો.

પ્રજ્વલ રેવન્ના

સેંકડો મહિલાઓના જાતીય શોષણ અને સેક્સ સ્કૅન્ડલના આરોપી અને કર્ણાટકમાં હસન લોકસભા મતવિસ્તારના જનતા દળ (યુનાઇટેડ)ના સસ્પેન્ડેડ સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાની જર્મનીથી આવ્યા બાદ બૅન્ગલોર ઍરપોર્ટ પર ધરપકડ કરાઈ હતી અને તેને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપી દેવાયો હતો. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૬ દિવસની SITની કસ્ટડીમાં મોકલી દીધો હતો.

પ્રજ્વલ રેવન્ના મધરાત બાદ ૧૨.૪૦ વાગ્યે મ્યુનિકથી બૅન્ગલોર પહોંચ્યો હતો. તેનો સામાન અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોબાઇલમાંથી વૉઇસ સૅમ્પલો મેળવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી.

કર્ણાટક પોલીસની SITએ રેવન્નાની ૧૪ દિવસની કસ્ટડી માગી હતી, પણ બેઉ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૬ દિવસની કસ્ટડી આપી છે. ૧૪ દિવસની પોલીસ-કસ્ટડી માટેના કારણમાં પોલીસે કહ્યું હતું કે આરોપી સામે બળાત્કારના ગંભીર આરોપ છે, જે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. આ એક વિકૃત વ્યક્તિ છે અને વિડિયોમાં તમામ મહિલાઓની ઓળખ છતી થઈ ગઈ છે. આ માણસના કારણે ઘણાં ઘરોમાં સમસ્યા ઊભી થઈ છે અને કેટલીય મહિલાઓને તેમના જ ઘરમાં શકની નજરથી જોવામાં આવે છે.

અમારે એ મોબાઇલ પણ શોધવાનો છે જેમાં વિડિયો રેકૉર્ડિંગ કરવામાં આવ્યું છે. અમારે વિટનેસ શોધવાના છે. આથી અમને વધારે દિવસની કસ્ટડી જોઈએ છે. બીજી તરફ પ્રજ્વલના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે આ ઘટના ચાર વર્ષ પહેલાં થઈ હતી અને એમાં શરૂઆતમાં બળાત્કારનો કોઈ આરોપ નહોતો. વળી પ્રજ્વલ તપાસમાં સહયોગ આપી રહ્યો છે એથી તેને માત્ર એક જ દિવસની કસ્ટડી આપવી જોઈએ.

પ્રજ્વલને ટૉઇલેટમાં વાસ આવે છે
કોર્ટના જજે પ્રજ્વલને પૂછ્યું હતું કે તને ક્યાંથી પકડવામાં આવ્યો? ત્યારે તેણે જણાવ્યું હતું કે મને ઍરપોર્ટમાં રાત્રે ૧ વાગ્યે પકડી લેવામાં આવ્યો હતો. કોર્ટે પૂછ્યું કે પ્રજ્વલ કોઈ પરેશાની છે? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે ટૉઇલેટમાંથી વાસ આવે છે અને એ ગંદાં છે. 

karnataka Crime News supreme court national news india