રશિયામાં અનેક ડ્રોન હુમલા કરાયા, ટીવી-રેડિયો હૅક થયાં, ઍરપોર્ટ બંધ કરવામાં આવ્યું

01 March, 2023 07:59 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

જોકે એને કારણે કોઈ જાનહાનિ થઈ નથી પણ એને લીધે રશિયન ટીવી-ચૅનલો અને રેડિયો સ્ટેશન હૅક થયાં હતાં.

રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન

મૉસ્કો : યુક્રેનની બૉર્ડર નજીક દક્ષિણ અને પશ્ચિમ રશિયામાં અનેક ડ્રોન હુમલા થયા છે. રીજનલ અધિકારીઓએ જણાવ્યું કે રશિયામાં ઊંડે સુધી આ હુમલા થયા હતા. જોકે એને કારણે કોઈ જાનહાનિ થઈ નથી પણ એને લીધે રશિયન ટીવી-ચૅનલો અને રેડિયો સ્ટેશન હૅક થયાં હતાં. સાથે જ સેન્ટ પીટર્સબર્ગ ઍરપોર્ટ ટેમ્પરરી બંધ થયું હતું. એને લીધે એની પાછળ  યુક્રેનનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 
રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં આવેલા પુલકોવો ઍરપોર્ટને આ વિસ્તારમાં ડ્રોન દેખાતાં ત્યાંની તમામ ફ્લાઇટ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. રશિયાની બીજા ક્રમાંકના શહેરમાં કરવામાં આવેલી આ કાર્યવાહીનું કારણ સરકારે જાહેર કર્યું નહોતું. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે પુલકોવોના ૨૦૦ કિલોમીટર ​ત્રિજ્યામાં સ્થાનિક સમય પ્રમાણે ૧૨ વાગ્યે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને પછીથી ઉઠાવી લેવાયો હતો. રશિયાની ન્યુઝ એજન્સીએ અગાઉ કહ્યું હતું કે અજાણી વસ્તુ નજરે પડતાં આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તપાસ માટે બે ફાઇટર જેટ પણ મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ એમાં કાંઈ મળ્યું નહોતું. કયા કારણે ફ્લાઇટ પર પ્રતિબંધ મુકાયો, કહેવાતી અજાણી વસ્તુની તપાસ કઈ રીતે કરવામાં આવી એ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી. 

 

international news ukraine russia