અબ તક ૩૦૦ કરોડ ને કાઉન્ટિ‍ંગ ચાલુ છે

10 December, 2023 08:57 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસી સંસદસભ્ય ધીરજ સાહુ પાસેથી મળેલી બ્લૅક મનીની અત્યાર સુધીની આ સૌથી મોટી જપ્તી છે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી ઃ ઓડિશા, ઝારખંડ અને વેસ્ટ બેન્ગાલમાં કૉન્ગ્રેસી સંસદસભ્ય ધીરજ સાહુની કંપની પર ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડીને જપ્ત કરેલી કાળાં ધનની રોકડ ૨૯૦ કરોડ રૂપિયાના આંકને આંબી જાય છે અને દેશના ઇતિહાસમાં આ સૌથી મોટી કૅશની જપ્તી હોવાની શક્યતા છે.
આ દરોડા અને જપ્તીનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ખાતરી આપી હતી કે લૂંટેલા પૈસામાંથી તેમની પાઈ-પાઈ પરત કરવામાં આવશે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે બૌદ્ધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય સંસ્થા પાસેથી દરોડા દ​રમ્યાન મળી આવેલી રોકડ અંદાજે ૨૯૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ગઈ છે, જે હમણાં સુધીની સૌથી મોટી જપ્તી હશે. ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં દરોડા પાડવાની શરૂઆત બુધવારે થઈ હતી. આ કંપની કૉન્ગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલી છે. ધીરજ સાહુનો છોકરો રિતેશ સાહુ મૅનેજિંગ ડિરેક્ટર છે અને તેનો મોટો ભાઈ ઉદય શંકર પ્રસાદ કંપનીનો ચૅરમૅન છે. આ કંપની એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહૉલ અને આલ્કોહૉલિક પીણાં માટે રૉ-મટીરિયલ મૅન્યુફૅક્ચર કરે છે. અધિકારીએ કહ્યું, બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઇવેટ લિમિટેડ બલદેવ સાહુ 
ઍન્ડ ગ્રુપ ઑફ કંપનીઝની પાર્ટનરશિપ ફર્મ પણ છે, જેના પર કરચોરીનો આરોપ છે અને અગાઉ દરોડા પણ પડ્યા હતા.

congress odisha national news