29 May, 2023 11:10 AM IST | Imphal | Gujarati Mid-day Correspondent
મણિપુરમાં ગઈ કાલે સુરક્ષા દળો અને હથિયારધારી જૂથો વચ્ચે અથડામણમાં એક ઘરને આગ લગાડવામાં આવ્યા બાદ એને બુઝાવી રહેલો એક લોકલ વ્યક્તિ. તસવીર પી.ટી.આઇ.
વંશીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં ગઈ કાલે પોલીસના કમાન્ડોએ ઠેર-ઠેર ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરી છે. રાજ્યના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે કહ્યું હતું કે ‘અત્યાર સુધી ૪૦ જેટલા બળવાખોરોને ઠાર મારવામાં આવ્યાં છે. આ બળવાખોરો નાગરિકો સામે એમ-૧૬ અને એકે-૪૭ રાઇફલનો ઉપયોગ કરી રહ્યા છે. ગામડાંઓમાં જઈને ઘરોને આગ લગાવી રહ્યાં છે. આર્મી અને અન્ય સુરક્ષા દળોની મદદથી અમે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ લડાઈ મણિપુરને અસ્થિર કરવા માગતા બળવાખોરો અને રાજ્ય સરકાર વચ્ચે છે.’
દરમ્યાન બળવાખોરોએ શુક્રવારે મોડી રાત્રે ઇમ્ફાલ ખીણ અને આસપાસના પાંચ વિસ્તારોમાં એકસાથે હુમલો કર્યો હતો. સેકમાઈ, સુગનું, કુમ્બી, ફાયેંગ અને સેરોઉ વિસ્તારો છે જ્યાં ગોળીબારના બનાવો ચાલી રહ્યા છે તેમ જ શેરીઓમાં લાશ પડેલી છે. અગાઉ ૨૫ કરતાં વધુ કુકી વિદ્રોહી જૂથોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ત્રિપક્ષીય સસ્પેન્શન ઑફ ઑપરેશન કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. કેન્દ્રીય ગૃહપ્રધાન આજે મણિપુરની મુલાકાતે જવાના છે. તેમણે રાજ્યનાં બન્ને જૂથોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી છે. ઇમ્ફાલમાં મેઇટીઝ અને કુકી જનજાતિ વચ્ચે અનુસૂચિત જનજાતિ કૅટેગરીમાં સમાવવાની મેઇટીસની માગ સામે આ હિંસક અથડામણ શરૂ થઈ છે જેમાં ૭૦ લોકોના જીવ ગયા છે.