13 March, 2023 12:52 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી
નવી દિલ્હી : બજેટ સેશનના બીજા તબક્કાની આજથી શરૂઆત થશે ત્યારે વિપક્ષો જુદા-જુદા મુદ્દે સરકારને ઘેરવા માટે રેડી છે. વિપક્ષોના નેતાઓ બજેટ સેશનની શરૂઆત પહેલાં કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઑફિસમાં યોજાનારી એક જૉઇન્ટ મીટિંગમાં ભાગ લેશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આજે સવારે સંસદના પ્રિમાઇસિસમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઑફિસમાં સમાન વિચારધારા ધરાવતા વિપક્ષોના નેતાઓ મળશે.’
ખાસ કરીને વિપક્ષોના નેતાઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓના મિસયુઝ અને અદાણી-હિંડનબર્ગ રિસર્ચના મામલે કેન્દ્ર સરકારને ઘેરવાની કોશિશ કરશે.
એ સિવાય વિપક્ષો ચીનની સાથે સીમા પર ઘર્ષણ, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ સરકારને સવાલો પૂછશે.
કૉન્ગ્રેસ અદાણી ગ્રુપ પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરશે. કૉન્ગ્રેસના સંસદસભ્ય કે. સુરેશે જણાવ્યું હતું કે સરકારે હજી સુધી આ વિવાદ વિશે કોઈ જવાબ ન આપ્યો હોવાના કારણે તેમની પાર્ટી સતત અદાણી-હિંડનબર્ગના મુદ્દે અવાજ ઉઠાવશે.
તાજેતરમાં જ જૉબના બદલામાં જમીનના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની વિરુદ્ધ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે અત્યારે સંસદમાં વિપક્ષો સૌથી વધુ ભાર તો તપાસ એજન્સીઓના ‘મિસયુઝ’ પર જ મૂકે એવી શક્યતા છે.
લોકસભામાં કૉન્ગ્રેસના વ્હિપ મણિકમ ટાગોરે ભારપૂર્વક કહ્યું હતું કે કૉન્ગ્રેસ એજન્સીઓના મિસયુઝનો મુદ્દો મજબૂતાઈથી ઉઠાવશે.