15 February, 2023 12:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૌતમ અદાણી ફાઇલ તસવીર
નવી દિલ્હી : શૅર માર્કેટની રેગ્યુલેટર સેબીએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે એ અમેરિકાની શૉર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિચર્સ દ્વારા અદાણી ગ્રુપ પર મૂકવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. વળી હિંડનબર્ગનો રિપોર્ટ બહાર પડ્યો એ પહેલાં અને ત્યાર બાદ બજારની ગતિવિધિઓની પણ તપાસ કરી રહી છે. સેબી શૉર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં નથી. સુપ્રીમ કોર્ટમાં હાલમાં અદાણીના શૅરના ભાવમાં થયેલા ભારે ઘટાડાને મામલે કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી ચાલી રહી છે, જેમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતામાં બનેલી બેન્ચને એક લેખિત રિપોર્ટમાં શૉર્ટ સેલિંગ કોને કહેવાય અને હિંડનબર્ગ રિચર્સ દ્વારા શું કરવામાં આવે છે એની વિગતો પર ૨૦ પેજના ડૉક્યુમેન્ટ સબમિટ કર્યા હતા, જેમાં અદાણી ગ્રુપનો ઉલ્લેખ એક પણ વખત કરવામાં આવ્યો નહોતો.
આ પણ વાંચો: અદાણી ગ્રુપે એસબીઆઇ માટે વધુ શૅર ગીરવી મૂક્યા
સેબીએ કહ્યું કે હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને ત્યાર બાદની માર્કેટની ગતિવિધિઓ પર પણ તપાસ ચાલી રહી છે. અમેરિકાની સંસ્થાએ ૨૪ જાન્યુઆરીએ એવો આરોપ મૂક્યો હતો કે અદાણી ગ્રુપે વિદેશના ટૅક્સ હેવનનો તેમ જ સ્ટૉક મેનિપ્યુલેશનનો ઉપયોગ કરીને કૉર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી કરી છે. ગ્રુપે આ આરોપને નકારી કાઢ્યા હતા, પરંતુ એમ છતાં માત્ર ત્રણ સપ્તાહમાં ગ્રુપના બજારમૂલ્યમાં ૧૨૦ બિલ્યન ડૉલર (અંદાજે ૯૯૩૭ અબજ રૂપિયા)નું નુકસાન થયું હતું.
સેબીએ અદાણી ગ્રુપનું સીધું નામ લીધા વગર કહ્યું હતું કે તાજેતરમાં બે કંપનીઓ હસ્તગત કરી એ ઉપરાંત તેમની પાસે ઘણી લિસ્ટેડ કંપનીઓ છે.