ઝીના સુભાષ ચંદ્રાએ પણ SEBIનાં ચૅરપર્સન માધબી પુરી બુચ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

03 September, 2024 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે આરોપ લગાવ્યો હતો કે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને સોની વચ્ચે મર્જરને તોડવા માટે પણ માધબી પુરી જવાબદાર છે. 

સુભાષ ચંદ્રા, માધબી પુરી બુચ

SEBIનાં ચૅરમૅન માધબી પુરી બુચ પર હવે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝના ચૅરમૅન સુભાષ ચંદ્રાએ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. જોકે ખુદ સુભાષ ચંદ્રા સામે SEBI ૨૦૦૦ કરોડ રૂપિયાના ફન્ડ ડાઇવર્ઝનના કેસની તપાસ કરી રહી છે. SEBIના સિનિયર અધિકારીઓએ આ આરોપને દુર્ભાવનાપૂર્ણ અને તકવાદી ગણાવ્યો હતો.

૭૩ વર્ષના સુભાષ ચંદ્રાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે મને ખાતરી છે કે SEBIનાં ચૅરમૅન ભ્રષ્ટ છે. ‘SEBIનાં ચૅરમૅન બનતાં પહેલાં તેમની અને તેમના પતિની સંયુક્ત આવક વાર્ષિક એક કરોડ રૂપિયા હતી જે હવે વધીને ૪૦થી પ૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સંદર્ભે મીડિયા અને એજન્સીઓ દ્વારા તપાસ થવી જરૂરી છે. તેઓ અને તેમના પતિ કૉર્પોરેટ અને શૅરબજારના ભ્રષ્ટ ઑપરેટરો અને ફન્ડ મૅનેજરો પાસેથી નાણાં પડાવે છે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને સોની વચ્ચે મર્જરને તોડવા માટે પણ માધબી પુરી જવાબદાર છે. 

sebi Crime News national news india