20 April, 2023 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ચોક્કસ સમયમર્યાદામાં આ મામલાનો નિવેડો લાવવા પર ભાર મૂક્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે અન્ય કેસો સુનાવણી માટે રાહ જોઈ રહ્યા છે.
એક અરજીકર્તા તરફથી હાજર થયેલા સિનિયર ઍડ્વોકેટ એ. એમ. સિંઘવીએ પોતાની રજૂઆત કરવા માટે સમય માગતાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આમ જણાવ્યું હતું.
ગઈ કાલે સુનાવણી દરમ્યાન સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતાની માગણી કરી રહેલા અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે અદાલત સજાતીય લગ્નોનો સ્વીકાર કરવા માટે સમાજને પ્રેરિત કરવા માટે પોતાની ‘સંપૂર્ણ શક્તિ, પ્રતિષ્ઠા અને નૈતિક અધિકાર’નો ઉપયોગ કરે કે જેનાથી એવી ખાતરી થાય કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર્સ ગરિમાપૂર્ણ જીવન જીવી શકે.
એક અરજીકર્તા તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને માન્યતા આપવા માટે આગળ આવવું જોઈએ. કેન્દ્ર સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં એક નવા ઍફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે એણે તમામ રાજ્યોને ૧૮ એપ્રિલે પત્ર લખીને આ અરજીઓમાં ઊભા કરવામાં આવેલા મુદ્દાઓ પર તેમના અભિપ્રાય માગ્યા છે.