13 December, 2022 11:15 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રધાન અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ અને અન્ય બે લોકો સાથે સંકળાયેલા કેસની સુનાવણી ક્યાં સુધીમાં પૂરી થશે એ વિશે સેશન્સ કોર્ટના જજ પાસે માહિતી માગી હતી. ૨૦૨૧ના ઑક્ટોબર મહિનામાં લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ગાડી નીચે કચડવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને એસયુવીમાં સવાર ત્રણ મુસાફરોની હત્યા વિશેના બીજા કેસની ઍફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે આરોપીઓ, પીડિતો અને સમાજ સહિતના તમામ પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખવાની જરૂર છે. બેન્ચે કારમાં સવાર લોકોની હત્યા સંબંધિત બીજા કેસની સુનાવણી કરી રહેલા ઍડિશનલ ડિસ્ટ્રિકટ ઍન્ડ સેશન્સ જજે આરોપો ઘડવામાં થઈ રહેલા વિલંબને પણ ધ્યાનમાં લેવાનું જણાવ્યું હતું. આ કેસમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન અજય કુમારનો પુત્ર મુખ્ય આરોપી છે. તમામ આરોપીઓ હાલ જેલમાં છે. ૨૦૨૧ની ત્રીજી ઑક્ટોબરે થયેલી આ ઘટનામાં કુલ આઠ લોકો માર્યા ગયા હતા, જેમાં એસયુવી દ્વારા ચાર ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા.