SCએ છાવલા બળાત્કાર-હત્યા કેસમાં મૃત્યુદંડની સજા રદ કરી, ત્રણેય દોષીઓને છોડી મૂક્યા

07 November, 2022 05:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

7 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષીઓના મોત પર ચુકાદો અનામત રાખ્યો હતો

ફાઇલ તસવીર

2012ના છાવલા બળાત્કાર-હત્યા કેસ (Chhawla Rape and Murder Case)માં, સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષીઓની ફાંસીની સજાને રદ કરી અને તેમની મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસને બીજો નિર્ભયા કેસ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. રવિ કુમાર, રાહુલ અને વિનોદને અપહરણ, બળાત્કાર અને હત્યાના વિવિધ આરોપો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

7 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષીઓના મોત પર ચુકાદો અનામત રાખ્યો હતો. ત્રણેયની ફાંસીની સજા યથાવત રાખવી કે કેમ તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવાનો હતો. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

દિલ્હી પોલીસે ફાંસીની સજા ઘટાડવાની અરજીનો વિરોધ કર્યો હતો. પોલીસ વતી એએસજી ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે “આ ગુનો માત્ર પીડિતા સાથે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ સાથે થયો છે. દોષીને કોઈ છૂટ આપી શકાય નહીં કારણ કે તેમણે આટલો જઘન્ય ગુનો કર્યો છે. અપરાધીઓએ ન માત્ર બાળકી પર સામૂહિક બળાત્કાર કર્યો, પરંતુ તેના મૃતદેહનું પણ અપમાન કર્યું.”

દિલ્હીની દ્વારકા કોર્ટે ફેબ્રુઆરી 2014માં 2012માં 19 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યા માટે ત્રણ લોકોને દોષી ઠેરવ્યા હતા અને તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. પીડિતાનો વિકૃત મૃતદેહ હરિયાણાના રેવાડીમાં એક ખેતરમાંથી મળી આવ્યો હતો. તેના પર કારના સાધનો અને અન્ય વસ્તુઓ વડે નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. રવિ કુમાર, રાહુલ અને વિનોદને અપહરણ, બળાત્કાર અને હત્યાના વિવિધ આરોપો હેઠળ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

26 ઑગસ્ટ 2014ના રોજ, દિલ્હી હાઈકોર્ટે મૃત્યુદંડની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ ‘શિકારી’ હતા જેઓ શેરીઓમાં ફરતા હતા અને "શિકાર શોધતા હતા." ત્રણેય દોષીએ દિલ્હી હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દરમિયાન, પીડિતાના પરિવારે દોષી દ્વારા કરવામાં આવેલા ગુના અંગે બેંચને સહાય પૂરી પાડવા માટે હસ્તક્ષેપ કરતી અરજી દાખલ કરી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, “આ અપરાધ અસંસ્કારી પ્રકૃતિનો હતો કારણ કે તેમણે પહેલા બાળકીનું અપહરણ કર્યું, બળાત્કાર કર્યો, તેની હત્યા કરી અને તેણીની લાશને હરિયાણાના રેવાડી જિલ્લાના રોધાઈ ગામમાં એક ખેતરમાં ફેંકી દીધી.” ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે, “3 શખ્શોએ 9 ફેબ્રુઆરી, 2012ની રાત્રે કુતુબ વિહાર વિસ્તારમાં તેના ઘરની નજીકથી એક કારમાં બાળકીનું અપહરણ કર્યું હતું, જ્યારે તે કામ પરથી પરત ફરી રહી હતી.”

આ પણ વાંચો: ટેક્નિકલ ખામીને કારણે ઉડ્ડાણ ન ભરી શક્યું Air Asiaનું પ્લેન, રનવેથી ફર્યું પાછું

national news supreme court