06 November, 2024 12:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
હવે લાઇટ મોટર વ્હીકલ (LMV) લાયસન્સ ધારકો પણ ૭,૫૦૦ કિલો સુધીના કોમર્શિયલ વાહનો ચલાવી શકશે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ બુધવારે ૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ આ અંગે મોટો નિર્ણય આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, વીમા કંપનીઓ એલએમવી લાયસન્સ (SC on LMV Licenses)ના આધારે વીમા દાવાને નકારી શકે નહીં. CJIની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે ૨૧ ઓગસ્ટે સુનાવણી પૂરી કરીને આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, લાયસન્સ ઓથોરિટીએ ડ્રાઇવિંગ લાઇસન્સ આપતી વખતે નિયમોનું પાલન કરવું જોઈએ. ન્યાયમૂર્તિ હૃષિકેશ રાયે ખંડપીઠનો નિર્ણય વાંચતા કહ્યું કે અહીં માત્ર કાયદાનો પ્રશ્ન નથી. કાયદાની સામાજિક અસરને સમજવી પણ જરૂરી છે, જેથી લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકો આવા પરિવહન વાહનો ચલાવીને રોજગાર કમાઈ રહ્યા છે જેનું વજન ૭,૫૦૦ કિલોથી ઓછું છે. LMV લાઇસન્સ ધરાવતા આવા ડ્રાઇવરો ડ્રાઇવિંગમાં મહત્તમ સમય પસાર કરે છે. વીમા કંપનીઓ એ બતાવવામાં નિષ્ફળ રહી છે કે LMV લાયસન્સ ધરાવતા ડ્રાઇવરો દ્વારા ભારે કોમર્શિયલ વાહનો ચલાવવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. કોર્ટે કહ્યું કે માર્ગ સુરક્ષા સમગ્ર વિશ્વ માટે ગંભીર બાબત છે. ગયા વર્ષે ભારતમાં માર્ગ અકસ્માતમાં ૧.૭ લાખ લોકોના મોત થયા હતા, પરંતુ એવું ન કહી શકાય કે માત્ર LMV લાઇસન્સ ધારકો જ આ માટે જવાબદાર છે. સીટ બેલ્ટ, હેલ્મેટ, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ, નશો જેવા વગેરે નિયમોનું પાલન ન કરવા જેવા અનેક કારણો છે જેના કારણે માર્ગ અકસ્માતો થાય છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ૭,૫૦૦ કિલો વજનના ખાનગી કે કોમર્શિયલ વાહનો વચ્ચે તફાવત કરવો યોગ્ય નથી. આનાથી વધુ વજન ધરાવતા વાહનો માટે ખાસ લાયસન્સનો નિયમ હોવો જોઈએ. જો કે, કોર્ટે એમ પણ કહ્યું છે કે લાયસન્સ ઓથોરિટીએ ડ્રાઇવિંગ લાઇસન્સ આપતી વખતે દરેક નિયમનું પાલન કરવું જોઈએ. કોર્ટનો મતલબ હતો કે ઓથોરિટીએ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવો જ જોઇએ.
વર્ષ ૨૦૧૭માં, મુકુંદ દેવાંગન વિ. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના કેસમાં, સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે કહ્યું હતું કે પરિવહન વાહનો કે જેનું કુલ વજન ૭,૫૦૦ કિલોગ્રામથી ઓછું હોય તેને LMV એટલે કે હળવા મોટર વાહનની વ્યાખ્યામાંથી બાકાત કરી શકાય નહીં. આ નિર્ણય બાદ મોટી સંખ્યામાં વીમા દાવાઓ શરૂ થઈ ગયા. તેની સામે વીમા કંપનીઓએ અરજી કરી હતી.