જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિન્દુઓ કરી શકશે પૂજા, SCએ આપ્યો આદેશ

01 April, 2024 05:00 PM IST  |  Allahabad | Gujarati Mid-day Online Correspondent

SC on Gyanvapi Mosque: CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બન્ને પક્ષોને જ્ઞાનવાપી સંકુલમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો જેથી બન્ને સમુદાયો ધાર્મિક પ્રાર્થના કરી શકે

ફાઇલ તસવીર

જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Mosque) સંકુલના વ્યાસ ભોંયરામાં પૂજા કરવા સામે મસ્જિદ સમિતિની અરજી પર સોમવારે એટલે કે પહેલી એપ્રિલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)ના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ કેસની આગામી સુનાવણી જુલાઈમાં થશે. અલ્હાબાદ હાઈકોર્ટે તેના આદેશમાં વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટ (Varanasi District Court)ના આદેશને યથાવત રાખ્યો હતો, જેમાં હિંદુઓને જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં `વ્યાસ તાહખાના`ની અંદર દેવી-દેવતાઓની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે દક્ષિણના ભોંયરામાં હિન્દુ પક્ષ દ્વારા પૂજા અને જ્ઞાનવાપીમાં મુસ્લિમો દ્વારા નમાઝ અંગે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો.

વારાણસી (Varanasi)ના જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસ જીના ભોંયરામાં પૂજા પાઠ રોકવા અંગેની મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી દરમિયાન વકીલ હુઝૈફા અહમદીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું કે, ૧૯૯૩ થી ૨૦૨૩ સુધી કોઈ પૂજા થઈ રહી નથી. ૨૦૨૩માં પૂજા કરવાનો અધિકાર પુનઃસ્થાપિત કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના પર આદેશ આપ્યો અને કાયદાને ધ્યાનમાં રાખીને પૂજા સ્થળ આપવામાં આવ્યું.

સર્વોચ્ચ અદાલતે એ હકીકતને ધ્યાનમાં લીધી કે ૧૭ જાન્યુઆરી અને ૩૧ જાન્યુઆરી (ભોંયરામાં અંદર પૂજા કરવાની મંજૂરી)ના આદેશો પછી જ્ઞાનવાપી મસ્જિદમાં મુસ્લિમ સમુદાય દ્વારા `નમાઝ` કોઈપણ અવરોધ વિના અદા કરવામાં આવે છે. જ્યારે હિંદુ પૂજારી `પૂજા` અર્પણ કરવા માટે મર્યાદિત છે. `તહખાના` વિસ્તારમાં યથાસ્થિતિ જાળવવાની સલાહ આપવામાં આવે છે જેથી બંને સમુદાયો ઉપરોક્ત શરતો અનુસાર પૂજા કરી શકે. કોર્ટે કહ્યું કે હિંદુઓ દક્ષિણથી પ્રવેશ કરશે અને ભોંયરામાં પૂજા કરશે, જ્યારે મુસ્લિમો ઉત્તરથી પ્રવેશ કરશે અને નમાઝ અદા કરશે.

હિંદુઓને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવા સામે મસ્જિદ મેનેજમેન્ટની અરજી પર સુપ્રીમ કોર્ટે કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને અન્યો પાસેથી ૩૦ એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કોર્ટના આદેશ પર હાથ ધરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન હિન્દુ મંદિરના અવશેષો પર બનાવવામાં આવી હતી.

જિલ્લા અદાલતે ૩૧ જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો કે હિંદુ પૂજારી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં મૂર્તિઓની પૂજા કરી શકે છે. હવે પૂજા અરજદાર શૈલેન્દ્ર કુમાર પાઠક દ્વારા કરવામાં આવી રહી છે, જે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા નામાંકિત હિંદુ પૂજારી છે. પાઠક દાવો કરે છે કે તેમના દાદા સોમનાથ વ્યાસ, જેઓ પણ પૂજારી હતા, ડિસેમ્બર ૧૯૯૩ સુધી ભોંયરામાં પૂજા કરતા હતા.

આ સાથે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કમિટીની અરજી પર કાશી વિશ્વનાથ મંદિરના ટ્રસ્ટીઓ અને અન્યો પાસેથી 30 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો છે.

gyanvapi masjid supreme court varanasi uttar pradesh india national news