આરોગ્ય ક્ષેત્રે સમાન ધોરણ માટે માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રનો જવાબ માગ્યો

03 December, 2022 08:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જસ્ટિસ બી. આર. ગવઈ અને વિક્રમનાથની બેન્ચે કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કેન્દ્ર અને રાજ્યને ક્લિનિકલ એસ્ટૅબ્લિશમેન્ટ ઍક્ટ ૨૦૧૦ની જોગવાઈઓને અપનાવીને તમામ નાગરિકો માટે એકસમાન હેલ્થકૅર ધોરણો માટે દિશાનિર્દેશની માગણી કરતી અરજી પર જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા.

જસ્ટિસ બી. આર. ગવઈ અને વિક્રમનાથની બેન્ચે કેન્દ્ર સરકાર તેમ જ રાજ્ય સરકારને પોતાનો જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે. સર્વોચ્ચ અદાલત જન સ્વાસ્થ્ય અભિયાન, પેશન્ટ્સ રાઇટ્સ કમિશન અને કે. એમ. ગોપાકુમાર દ્વારા ફાઇલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા માટે કાયદાની તમામ જોગવાઈઓ તેમ જ ક્લિનિકલ એસ્ટૅબ્લિશમેન્ટ રૂલ્સને કાર્યરત કરવા માટે નિર્દેશની માગણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ અરજીમાં ક્લિનિકલ સંસ્થાઓની નોંધણી માટેની શરતોની સૂચના અને અમલીકરણ માટે દિશાનિર્દેશોની માગ કરવામાં આવી હતી, જેમાં ૨૦૧૨ના નિયમ ૯ સાથે લઘુતમ ધોરણોનું પાલન, પ્રક્રિયાઓ અને સેવાઓ માટેના દરોનું પ્રદર્શન, આ કાયદાની કલમ ૧૧ અને ૧૨માં આપવામાં આવેલા પ્રમાણભૂત સારવાર પ્રોટોકૉલનું પાલન વગેરેનો સમાવેશ થાય છે.

જ્યાં સુધી આ કાયદામાં રહેલી ખામીઓ યોગ્ય કાયદા દ્વારા દૂર ના કરવામાં આવે ત્યાં સુધી જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે દરદીઓ માટે ફરિયાદ નિવારણ પદ્ધતિ બનાવવામાં આવે એવા નિર્દેશોની પણ માગણી અરજીમાં કરવામાં આવી હતી.

national news supreme court