25 October, 2024 11:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ સંજીવ ખન્ના
દસમી નવેમ્બરે રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે લૉ ઍન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રીને લેટર લખીને સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ સંજીવ ખન્નાને તેમના અનુગામી બનાવવા માટે કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે અને એના પર રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી દીધી છે. હવે ૧૧ નવેમ્બરથી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧મા ચીફ જસ્ટિસ બનશે. જોકે તેઓ ૨૦૨૫ની ૧૩ મેએ રિટાયર થવાના હોવાથી ચીફ જસ્ટિસ બનશે તો પણ તેમનો કાર્યભાર ૬ મહિનાનો જ રહેશે. લૉ ઍન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રીના પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ભારતના બંધારણે આપેલી સત્તાની રૂએ રાષ્ટ્રપતિએ આદરણીય ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સાથે વિચારવિમર્શ કર્યા બાદ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી છે.
જસ્ટિસ સંજીવ ખન્નાની ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા વગર જ જાન્યુઆરી ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા.