01 March, 2024 09:11 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
શેખ શાહજહાં
સંદેશખાલીમાં યૌન ઉત્પીડન અને જમીન પચાવી પાડવાના કેસના મુખ્ય આરોપી તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી હતી. બેન્ગૉલ પોલીસની સ્પેશ્યલ ટીમે ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં મધરાત્રે ૫૫ દિવસથી ફરાર શાહજહાંની ધરપકડ કરીને તેમને ૧૦ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલ્યા હતા. સંદેશખાલી કેસની કાર્યવાહીમાં કોર્ટનો સ્ટે ઑર્ડર છે, એવા ટીએમસી નેતાના આરોપ બાદ ૨૬ ફેબ્રુઆરીએ કલકત્તા હાઈ કોર્ટના જસ્ટિસે આ કેસમાં નોટિસ જારી કરીને શાહજહાંની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
શાસક તૃણમૂલ કૉન્ગ્રેસે ધરપકડની પ્રશંસા કરી હતી તો બીજેપીએ આ ધરપકડને સ્ક્રિપ્ટેડ ગણાવીને દાવો કર્યો હતો કે શેખ શાહજહાં વેસ્ટ બેન્ગૉલ પોલીસની સલામત કસ્ટડીમાં છે. સંદેશખાલીમાં મહિલાઓએ તૃણમૂલ કૉન્ગ્રેસના સ્ટ્રૉન્ગમૅન કહેવાતા શેખ શાહજહાં અને તેના સમર્થકો પર જાતીય શોષણ અને જમીન હડપવાનો આરોપ મૂક્યો હતો. ત્યાર બાદ સંદેશખાલીમાં મોટાપાયે વિરોધ શરૂ થઈ ગયો હતો. પાંચમી જાન્યુઆરીથી ફરાર શાહજહાં બીજેપીના ૩ કાર્યકરોની હત્યા સહિત અનેક ક્રિમિનલ કેસમાં ફસાયેલા છે.